લંડનઃ મેગન મર્કેલે પ્રિન્સ હેરી સાથે લગ્ન કર્યા પછી મે ૨૦૧૮માં બ્રિટિશ પાસપોર્ટ પ્રાપ્ત કરવાની કાર્યવાહી આરંભી હતી. કાર્યવાહીના ગાળા દરમિયાન અરજદારોએ તેમનો મોટા ભાગનો સમય બ્રિટનમાં ગાળવો જોઈએ તેવી વકીલો આપે છે. મેગન નેચરાલાઈઝેશન માટે અરજી કરે ત્યારે તેણે યુકેમાં વર્ષ દીઠ ૨૭૦ દિવસ ગાળવા જરૂરી છે. જો હેરી અને મેગન કેનેડામાં વધુ સમય ગાળશે તો તેના માટે નાગરિકતા મેળવવી મુશ્કેલ બની રહેશે.
યુકેમાં અમર્યાદિત વસવાટની પરવાનગી માટે રાહ જોવાનો સમયગાળો સામાન્યપણે પાંચ વર્ષનો હોય છે. આ ગાળામાં અરજદારે દર વર્ષે છ મહિના કરતા વધુ સમય યુકેમાં વીતાવવો જરૂરી હોય છે. ક્વીને સંમતિ દર્શાવી છે કે સ્વતંત્ર જીવન જીવવા ઈચ્છતા ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સને ટ્રાન્ઝીશન પીરિયડ અપાશે અને તેઓ પોતાનો સમય કેનેડા અને યુકે વચ્ચે વીતાવી શકશે. ઈમિગ્રેશન વકીલો કહે છે કે મેગન બહાર રહીને અરજી કરે તેમાં ખોટું નથી પરંતુ, તમારે મોટા ભાગનો સમય એટલે દર વર્ષે છ મહિના અને એક દિવસ યુકેમાં વીતાવવો પડે.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ હેરી- મેગનને આવકાર આપ્યો છે પરંતુ, નેચરાલાઈઝેન પ્રોસેસનો નિયમ કહે છે કે મેગને ત્રણ વર્ષમાં ૨૭૦થી વધુ દિવસ દેશની બહાર ગાળેલા ન હોવા જોઈએ. યુકે અને કેનેડા વચ્ચે સમાન સમય ગાળવાના સસેક્સીઝના ઉલ્લેખને વિચારીએ તો ત્રણ વર્ષમાં તેઓ ૫૪૦ દિવસ દેશની બહાર રહેશે.
જોકે, ૨૭૦થી વધુ દિવસની ગેરહાજરીની છૂટ આપવા માટે પણ ‘સામાન્ય વિવેકબુદ્ધિ’નો ઉપયોગ કરાય છે અને આ કેસમાં આવી હાજરીના નિયમને જતો કરાય તેવી શક્યતા છે. ડચેસ ઓફ સસેક્સની પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ બ્રિટિશ નાગરિકત્વનો માર્ગ અપનાવી રહ્યાં હોવાની હકીકતમાં કોઈ પરિવર્તન આવ્યું નથી.