લંડનઃ બ્રિટિશ શાહી ખાનદાનમાં ટુંક સમયમાં નવા સભ્યનો ઉમેરો થઈ રહ્યો છે. પ્રિન્સ હેરી અને મેગન મર્કેલે આગામી વસંત ઋતુ (સંભવતઃ એપ્રિલ-મે)માં તેમને ત્યાં પ્રથમ બાળકનું આગમન થઈ રહ્યું હોવાની વધામણી ઓસ્ટ્રેલિયામાં આપી છે. આ સમાચાર સાથે જ સમગ્ર યુકેમાં પ્રસૂતિ ક્યાં થશે અને નવાં બાળકના સંભવિત નામ તથા તેની નાગરિકતા સહિતની બાબતોની ચર્ચા આરંભાઈ છે. બેબી સસેક્સ બ્રિટિશ તાજના સાતમા વારસદાર હશે. જોકે, તે રાજગાદી પર આવે તેની શક્યતા નહિવત છે.
ગત મે મહિનામાં લગ્ન પછી ડચેસ ઓફ સસેક્સ પ્રેગનન્ટ હોવાના સમાચારથી શાહી પરિવારમાં આનંદ વર્તાયો છે. કેન્સિંગ્ટન પેલેસ દ્વારા ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સના આંગણે પ્રથમ સંતાનના આગમન થવાના સમાચારને પુષ્ટિ અપાઈ હતી. ક્વીન એલિઝાબેથ અને ડ્યૂક ઓફ એડિનબરા, પ્રિન્સ ઓફ વેલ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ, પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન તેમજ મેગનની માતા ડેરિના રેજિનાલ્ડે ‘સારા સમાચાર’ બદલ મેગન અને પ્રિન્સ હેરીને અભિનંદન પાઠવ્યાં હતાં. ગત શુક્રવારે વિન્ડસર કેસલમાં પ્રેન્સેસ યુજિનનાં લગ્ન સમારંભ દરમિયાન હેરી અને મેગને ક્વીનને તેમનાં આઠમા ગ્રેટ ગ્રાન્ડચાઈલ્ડના આગમનની વધામણી આપી હતી. લગ્નના ૧૦ સપ્તાહ પછી જ મેગન સગર્ભા બની હોવાનું મનાય છે. એપ્રિલ ૨૦૧૯ના ઉત્તરાર્ધમાં બાળકનું આગમન થશે તેવી શક્યતા છે.
પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ હાલ ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, ફિજી અને ટોન્ગાના ૧૬ દિવસના પ્રવાસે છે. તેઓ ૩૧ ઓક્ટોબરે યુકે પરત ફરશે. સિડનીમાં ઓક્ટોબર ૨૦-૨૮ દરમિયાન ઈન્વિક્ટસ ગેમ્સનું આયોજન છે. ફિજી અને ટોન્ગા ટાપુઓમાં ઝીકા વાયરસ અને ડેન્ગ્યુ તાવનો વાવર ફેલાયો હોવાથી મેગનને ત્યાં નહિ જવાં સલાહ અપાઈ છે. જોકે, દંપતી તેમના કાર્યક્રમમાં આગળ વધશે તેમ પણ કહેવાય છે. ઝીકા વાયરસથી ગર્ભસ્થ બાળક માઈક્રોસેફાલી (માથું ઘણું નાનું રહેવાનું) થવાનું જોખમ વધી જાય છે.
ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સનાં સંતાનની સરનેમ સસેક્સ રખાઈ શકે છે. જોકે, તેને પ્રિન્સ કે પ્રિન્સેસ ગણવા વિશે ક્વીન જ જાહેરાત કરી શકે છે. પ્રિન્સ વિલિયમના સંતાનો જ્યોર્જ, શાર્લોટ અને લૂઈએ સ્કૂલ અને નર્સરીમાં કેમ્બ્રીજ ટાઈટલ અપનાવ્યું છે. સોશિયલ મીડિયામાં પણ મેગનના બાળકના નામ વિશે જોરદાર સૂચનો કરાયાં છે, જેમાંથી તેને ‘બ્રેક્ઝિટ બેબી’ કહેવાનું પણ સૂચન છે કારણકે બ્રિટન માર્ચ ૧૯માં ઈયુ છોડે તે પછીના મહિનામાં જ બાળકનો જન્મ થવાનો છે.


