લંડનઃ પહેલા શાહી પ્રેમ, પછી શાહી લગ્ન અને હવે બ્રિટનના શાહી પરિવારમાં જન્મ લેનારાં બાળક પર સૌની નજર છે. ડચેસ ઓફ સસેક્સ અને પ્રિન્સ હેરીના પત્ની મેગન મર્કલ સગર્ભા છે. તેઓ એપ્રિલના અંતે કે મેના પહેલા અઠવાડિયે બાળકને જન્મ આપી શકે છે, પરંતુ બ્રિટિશ રાજ પરિવારમાં એવું પહેલીવાર થશે, જ્યારે શાહી પરિવારના ડોક્ટર મેગનની ડિલિવરી નહીં કરાવે.
મેગને શાહી પરિવારના નિષ્ણાત ડોક્ટરો પાસે ડિલિવરી કરાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું હતું કે, ‘હું નથી ઇચ્છતી કે સૂટ-બૂટ પહેરેલી કોઈ વ્યક્તિ મારી ડિલિવરી કરાવે. મેં મારાં માટે એક મહિલા ડોક્ટર અને ટીમ પસંદ કરી છે. તેઓ જ મારી ડિલિવરી કરાવશે.’ મેગનના નિર્ણય પછી વર્ષો જૂની શાહી પરંપરા તૂટી જશે.
શાહી પરિવાર સાથે જાણીતા ગાયનેકોલોજિસ્ટ એલન ફોરિંગ અને ગાય થોરપે બિસ્ટન જેવા નિષ્ણાતો સંકળાયેલા છે. ગાય થોરપે બિસ્ટન દુનિયાની સૌથી જોખમી ડિલિવરી કરાવવા જાણીતા છે. શાહી પરિવારની અત્યાર સુધીની તમામ ડિલિવરી આ બે ડોક્ટરે કરાવી છે. આ નિષ્ણાતોની દેખરેખમાં જ મેગન અત્યાર સુધી તેમની સારવાર કરાવી રહ્યાં હતા. ૩૭ વર્ષીય મેગને કેટલાક દિવસ પહેલાં મહિલા ડોક્ટર પાસે ડિલિવરી કરાવવાના સંકેત આપ્યા હતા


