લંડનઃ બ્રિટિશ શાહી પરિવાર સાથે મનમેળના અભાવ વિશે ઘણી વાતો બહાર કઢાવનાર ઓપ્રાહ વિન્ફે મેગનને તેના ખુદના પરિવાર વિશે કશું બોલાવી શકી નથી. ડચેસના પરિવારમાં જે ડ્રામા ચાલે છે તેના વિશે કોઈ ઉલ્લેખ કરાયો નથી. મેગનને તેના પરિવાર સાથેના વિવાદાસ્પદ સંબંધો બાબતે ઓપ્રાહે કોઈ પ્રશ્નો કર્યા નથી. એક સમયે મેગને ખુદ તેના પિતા થોમસ મર્કલ સાથે બોલચાલનો સંબંધ ન હોવાનું જણાવ્યું હતુ પરંતુ, ઓપ્રાહે અનેક સમયે મીડિયામાં પોતાની દીકરી સામે પડનારા પિતા વિશે કોઈ પ્રશ્નો ઉઠાવ્યા ન હતાં.
મેગને કહ્યું હતું કે, મેં ઘણું દુઃખ સહન કર્યું છે. એટલે કે પિતા ગુમાવ્યા છે, બાળક ગુમાવ્યું છે. લગભગ મારું નામ પણ ગુમાવ્યું છે. ઓળખનું ઘણું નુકસાન થયું છે પરંતુ, હું હજુ અડીખમ ઉભી છું. લોકો અન્ય બાબતો વિશે પણ જાણે તેવી મને આશા છે.
બે કલાકના કાર્યક્રમના અંતે ઓપ્રાહે જણાવ્યું હતું કે આટલા ઓછાં સમયમાં બધુ સમાવવું શક્ય ન હતું અને હજુ વધુ વિગતો જાહેર કરાશે. મેગનના પરિવાર વિશેની વાતો નવા ફૂટેજમાં જાહેર કરાય તેવી પણ શક્યતા છે.


