લંડનઃ મેગન મર્કેલ દ્વારા શાહી સ્ટાફ સાથે દાદાગીરીના વિવાદમાં અભૂતપૂર્વ પગલા તરીકે આંતરિક તપાસના બદલે ત્રીજા સ્વતંત્ર પક્ષ દ્વારા તપાસનો નિર્ણય કરાયો છે. આના પરિણામે, ધ ફર્મ અને સસેક્સ દંપતી વચ્ચેની કડવાસ વધી પણ શકે છે. દરમિયાન, ધ ટાઈમ્સના અહેવાલ અનુસાર મેગને તેના વિરુદ્ધ કરાયેલી દાદાગીરી કે બળજબરીની ફરિયાદો સંબંધિત ડોક્યુમેન્ટ્સ, ઈમેઈલ્સ કે ટેક્સ્ટ મેસેજીસ જોવાની માગણી પણ કરી છે. મેગનની ઓફિસની આ માગણીને ક્વીને પ્રિન્સ ચાર્લ્સ તરફ મોકલી આપી છે અને તેમના સહાયકો ફાઈલ્સની શોધ ચલાવી રહ્યા છે.
બકિંગહામ પેલેસના સીનિયર સહાયકે બે પર્સનલ આસિસ્ટન્ટ્સ સાથે અસ્વીકાર્ય વ્યવહાર અને ત્રીજા મદદનીશના આત્મવિશ્વાસને તોડી નાખવા બાબતે ડચેસ ઓફ સસેક્સ-મેગન મર્કેલ વિરુદ્ધ કરેલા આક્ષેપની તપાસ હવે તટસ્થ કાનૂની ફર્મને સુપરત કરવા પેલેસ દ્વારા નિર્ણય લેવાયો છે. અગાઉ આંતરિક તપાસનો નિર્ણય લેવાયો હતો. મેગનના તાજેતરના કાનૂની પ્રાઈવસી મુકદ્દમામાં કોર્ટ સમક્ષ જુબાની આપવા અટકાવાયેલા પૂર્વ અને વર્તમાન શાહી મદદનીશો આ ઈન્ક્વાયરીમાં જુબાની આપે તેવી ધારણા છે.
જોકે, મેગન દ્વારા પણ કહેવાતા ‘ચારિત્ર્યહનન અભિયાન’નો સામનો કરવાની તૈયારી થઈ રહી છે. તેની ઓફિસે પુરાવાઓ આપવા પેલેસને લખી જણાવ્યું છે અને ક્વીને આ વિનંતી પ્રિન્સ ચાર્લ્સને મોકલી આપી છે. ટાઈમ્સના અહેવાલ અનુસાર સસેક્સ દંપતીને આ તપાસમાં ભાગ લેવા આમંત્રણ નહિ અપાય. આના પરિણામે, શાહી પરિવાર અને સસેક્સ દંપતી વચ્ચે કડવાશની ખાઈ પહોળી થશે તેમ કહેવાય છે.













