લંડનઃ ધ ટાઈમ્સ દ્વારા ગત મંગળવાર, બીજી માર્ચની રાત્રે મેગન દ્વારા રોયલ કર્મચારીઓ સાથે દુર્વ્યવહારની સ્ટોરી પ્રસિદ્ધ કરાઈ હતી. મેગન અને હેરીના પ્રવક્તાએ આક્ષેપોનો ઈનકાર કરતા જણાવ્યું હતું કે, ‘પોતાના ચારિત્ર્ય પર આ તાજા હુમલાથી ડચેસને ભારે દુઃખ થયું છે. ખાસ કરીને તેઓ ખુદ ધાકધમકીનું નિશાન રહ્યાં છે અને તેઓ પીડા અને આઘાત સહન કરનારાઓને સપોર્ટ કરવા માટે પ્રતિબદ્ધ રહ્યાં છે.’ ડચેસે જણાવ્યું હતું કે તેઓ રિપોર્ટથી દુઃખી થયાં છે અને તેમના વકીલોએ આ બાબતને કલંક લગાવવાના અભિયાન સાથે સરખાવી હતી. મેગને તેના વિશે તદ્દન જૂઠી વાતો ફેલાવવા માટે બકિંગહામ પેલેસ દ્વારા અખબારનો ઉપયોગ કરાતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ ઉપરાંત, પ્રેસને આવી વાતો કેટ અને કેમિલ્લા દ્વારા લીક કરાતી હોવાનું દોષારોપણ પણ કર્યું હતું.
મેગન અને હેરીનો ઓપ્રાહ વિન્ફ્રે સાથેનો ઈન્ટરવ્યૂ પ્રસિદ્ધ થવાના થોડા દિવસ પહેલા જ ધ ટાઈમ્સનો રિપોર્ટ આવ્યો હતો. ધ ટાઈમ્સના અહેવાલ અનુસાર રોયલ ફાઉન્ડેશન ઓફ ડ્યૂક એન્ડ ડચેસ ઓફ સસેક્સીસના વર્તમાન ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેસન નૌફે ઓક્ટોબર ૨૦૧૮માં પેલેસની HR ટીમ સમક્ષ મેગન બાબતે ચિંતા દર્શાવી હતી. જોકે, આ મુદ્દો આગળ વધારાયો ન હતો. ટાઈમ્સે આક્ષેપ કર્યો હતો કે નૌફ દ્વારા આ ફરિયાદ કરાઈ હતી પરંતુ, પ્રિન્સ હેરીએ આ બાબતે આગળ નહિ વધવા સૂચના આપી હોવાનું એક સૂત્રે જણાવ્યું હતું.
ડચેસ સામે બે PAની હકાલપટ્ટી અને કેન્સિંગ્ટન પેલેસના અન્ય કર્મચારીનો આત્મવિશ્વાસ તોડવાના આક્ષેપ છે. ધ ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું હતું કે રાજાશાહીના ‘મેન ઈન ગ્રે સૂટ્સ’ને ડચેસના વ્યવહારની જાણ હતી પરંતુ, તેમણે સ્ટાફના રક્ષણ માટે કશું કર્યું ન હતું.
બકિંગહામ પેલેસ દ્વારા તપાસના આદેશ
મેગન મર્કેલે શાહી સ્ટાફ સાથે ધાકધમકીપૂર્ણ વ્યવહાર કર્યો હોવાના દાવામાં તપાસ કરવા બકિંગહામ પેલેસ દ્વારા આદેશ કરાયો છે. બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે સીનિયર રોયલ તરીકે કામગીરી દરમિયાન મેગન મર્કેલે શાહી સ્ટાફ સાથે દુર્વ્યવહાર કર્યો હોવાના પૂર્વ કર્મચારીના આક્ષેપોમાં તપાસ કરાશે. બુધવાર ૩ માર્ચના નિવેદનમાં બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે ‘ડ્યૂક એન્ડ ડચેસ ઓફ સસેક્સના પૂર્વ સ્ટાફના દાવાઓ બાબતે ધ ટાઈમ્સમાં પ્રકાશિત આક્ષેપો અંગે અમને ભારે ચિંતા છે. અમારી HR ટીમ આર્ટિકલમાં પ્રસિદ્ધ બાબતો અંગે તપાસ કરશે. તે સમયે શાહી હાઉસહોલ્ડમાં કાર્યરત અને કામ છોડી ગયેલા કર્મચારીઓને બોલાવાશે. રોયલ હાઉસહોલ્ડ વર્ષોથી ‘ડિગ્નિટી એટ વર્ક’ પોલિસી ધરાવે છે અને કામના સ્થળે ધાકધમકી કે હેરાનગતિને સહન કરશે નહિ.’ સસેક્સ દંપતીની ‘દાદાગીરી’ મુદ્દે તપાસમાં શાહી હાઉસહોલ્ડના ઓછામાં ઓછા ૧૦ કર્મચારીએ સહકાર આપવાની તૈયારી દર્શાવી હોવાનું કહેવાય છે.

