લંડનઃ ITVના ‘ગુડ મોર્નિંગ બ્રિટન’ (GMB) શોના હોસ્ટ પિયર્સ મોર્ગને ઓપ્રાહ વિન્ફ્રેના હેરી-મેગન ઈન્ટરવ્યૂ સંદર્ભે કરેલી ટીપ્પણીના વિવાદ પછી મંગળવારે જ કાર્યક્રમ છોડી દેવાની જાહેરાત કરી છે. બીજી તરફ, મેગન વતી હોસ્ટ પિયર્સ મોર્ગન વિરુદ્ધ ITVને સત્તાવાર ફરિયાદ કરાઈ છે. મેગન મર્કલે ઈન્ટરવ્યૂમાં પોતાના માનસિક આરોગ્ય વિશે ખૂલીને વાત કરી ત્યારે મોર્ગને તેઓ કોઈ પણ હિસાબે આને સાચું માની શકે તેમ નથી તે મતલબની ટીપ્પણી કરી હતી.
CNN ના રિપોર્ટ અનુસાર ‘મેગનની ફરિયાદ મોર્ગનની ટીપ્પણીઓની અન્યો પર માનસિક આરોગ્ય મુદ્દાઓની ગંભીરતાને ઘટાડી શકે તે અંગે છે. મોર્ગનના અંગત હુમલાઓ સંબંધિત ફરિયાદ નથી.’ શોના કો-હોસ્ટ એલેક્સ બેરેસફોર્ડે સાથીએ કરેલી ટીપ્પણીને વખોડી નાખ્યા પછી મોર્ગન શો છોડી નીકળી ગયા હતા. ITVએ નિવેદનમાં જણાવ્યું હતું કે ચર્ચા પછી મોર્ગને ‘ગુડ મોર્નિંગ બ્રિટન’ શો છોડી દેવા નિર્ણય કર્યો હતો.
ડચેસ ઓફ સસેક્સે ઈન્ટરવ્યૂમાં ઓપ્રાહને તે રોયલ ફેમિલીની સભ્ય હતી ત્યારે આત્મઘાતી વિચારો આવતા હતા અને તે જીવવા ઈચ્છતી ન હતી તેમ જણાવ્યું હતું. મોર્ગને સોમવારના ‘ગુડ મોર્નિંગ બ્રિટન’ શોમાં જણાવ્યું હતું કે ‘મેગન મર્કલે જે કહ્યું તેમાંનો એક શબ્દ પણ હું માનતો નથી. તે મને વેધર રિપોર્ટ વાંચી સંભળાવે તો પણ હું માનું નહિ અને હકીકત એ છે કે તેણે આપણ રાજપરિવાર પર આક્રમણ કર્યું છે અને હું માનું છું કે બદનક્ષીપૂર્ણ છે.’
જોકે, મોર્ગને પાછળથી માનસિક બીમારી અને આત્મહત્યા પર પોતાની ટીપ્પણી અંગે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો હતો. યુકે મીડિયા રેગ્યુલેટર ઓફકોમે ૪૧,૦૦૦થી વધુ લોકો દ્વારા ફરિયાદ કરાયાના પગલે તપાસ આરંભી હતી.
યુકેની મેન્ટલ હેલ્થ સંસ્થા અને પ્રિન્સ વિલિયમ, કેટ મિડલટન અને પ્રિન્સ હેરીના ‘હેડ્સ ટુગેધર’ મેન્ટલ હેલ્થ ઈનિશિયેટિવમાં પાર્ટનર Mindએ મોર્ગનની ટીપ્પણી વિશે નિરાશા અને ચિંતા વ્યક્ત કર્યા હતા.


