લંડન: લંડન સ્થિત પ્રખ્યાત મીણના પૂતળાના સંગ્રહાલય 'મેડમ તુસાદ' દ્વારા ભારતીય સંસ્કૃતિ અને લોકપ્રિયતાને બિરદાવવા માટે 'આઈકોન્સ ઓફ ઈન્ડિયા' નામના વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી બે મહિના સુધી ચાલનારા આ પ્રદર્શનમાં ભારતીય સિનેમાના દિગ્ગજો અને ક્રિકેટ જગતના સિતારાઓના મીણના પૂતળા પ્રદર્શિત કરવામાં આવશે. વિશેષ પ્રદર્શન શુક્રવાર, ૧ મેથી શરૂ થઈને ૩૦ જૂન સુધી ચાલશે. સંગ્રહાલયના 'એવોર્ડ્સ પાર્ટી ઝોન'ને ભારતીય સંસ્કૃતિથી પ્રેરિત આકાર આપવામાં આવ્યો છે, જે હિન્દી સિનેમા અને ક્રિકેટની વૈશ્વિક અસરને દર્શાવે છે.
મુલાકાતીઓને ભારતના કુલ ૧૩ દિગ્ગજોના પૂતળા સાથે તસવીરો ખેંચાવવાની તક મળશે. જેમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા જોનાસ, અમિતાભ બચ્ચન, હૃતિક રોશન, કેટરીના કૈફ, માધુરી દીક્ષિત અને રણવીર સિંહનો સમાવેશ થાય છે. રણબીર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન અને કાજલ અગ્રવાલના પૂતળા પણ અન્ય આંતરરાષ્ટ્રીય કેન્દ્રો પરથી ખાસ અહીં લાવવામાં આવ્યા છે.
ક્રિકેટ જગતના દિગ્ગજ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલીના પૂતળા રમત પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે. ખાસ નોંધનીય છે કે વિરાટ કોહલીનું સ્ટેચ્યુ બેંગકોકથી અહીં લાવવામાં આવ્યું છે.
લંડન સ્થિત ભારતીય હાઈ કમિશને આ પહેલને આવકારતા જણાવ્યું હતું કે, આ પ્રદર્શન ભારત અને યુકે વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક છે. આ પ્રદર્શન લંડનના હૃદયમાં 'ભારતનો આત્મા' જીવંત કરશે. મેડમ તુસાદના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પહેલનો મુખ્ય હેતુ ભારતીય મનોરંજન અને રમતગમતની વધતી જતી વૈશ્વિક લોકપ્રિયતાની ઉજવણી કરવાનો છે.


