મેડમ તુસાદમાં સુપરસ્ટાર રાજેશ ખન્નાનું સ્ટેચ્યુ મૂકવા પિટિશન

Tuesday 16th May 2017 11:23 EDT
 
 

લંડનઃ ભારતીય સિનેજગતમાં ધમાકેદાર પ્રવેશ સાથે તેની તાસીર બદલી નાખનારા પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાનું વેક્સ સ્ટેચ્યુ મેડમ તુસાદ મ્યુઝિયમમાં મૂકવાની માગણી સાથે તેમના પ્રશંસકોએ ઓનલાઈન પિટિશન શરૂ કરી છે. ‘કાકા’ તરીકે લોકપ્રિય રાજેશખન્નાના ચાહકોમાં જાગૃતિ કેળવવા અને તેમનું સમર્થન મેળવવા માટે ઓનલાઈન ઉપરાંત પેપર પિટિશન પણ શરૂ કરાઈ હતી.

બન્ને પિટિશનને તમામ વયજૂથના લોકોનો ભારે પ્રતિસાદ સાંપડી રહ્યો છે. લંડનની એશિયન કોમ્યુનિટીના ભારે સમર્થન સાથે પેપર પિટિશન પર અત્યાર સુધીમાં ૫,૫૦૦ લોકોએ સહી કરી છે.

આ માગણી સાથેનું ૫૦૦થી વધુ સભ્યોનું ફેસબુક ગ્રૂપ પણ છે અને વધુ ૪૦૦ લોકો તેમાં જોડાવા ઈચ્છે છે. આ પ્રશંસકો દ્વારા ટૂંક સમયમાં જ લંડન અને યુકેના સાઉથોલ, લેસ્ટર અને બર્મિંગહામ જેવા વિસ્તારોમાં પેપર પિટિશન અભિયાન હાથ ધરાશે.

પંજાબના અમૃતસરમાં ૨૯ ડિસેમ્બર,૧૯૪૨ના રોજ જન્મેલા રાજેશ ખન્ના ૧૯૬૫માં યોજાયેલી યુનાઈટેડ પ્રોડ્યુસર્સ ઓલ ઈન્ડિયા ટેલેન્ટ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવ્યા હતા અને આ સ્પર્ધા જીતી ગયા હતા. બોલિવુડમાં કોઈપણ અભિનેતાની ચડતી રાજેશ ખન્ના જેટલી નાટ્યાત્મક અને ભવ્ય રહી નથી. ૧૯૬૯માં શક્તિ સામંતની ફિલ્મ ‘આરાધના’માં શ્રેષ્ઠ અભિનય સાથે તેઓ સુપરસ્ટાર બન્યા હતા. ૧૯૬૯થી ૧૯૭૨ના ગાળામાં તેમણે સતત ૧૫ સુપરહિટ ફિલ્મ્સ આપી હતી. તેમનો તે રેકોર્ડ આજે પણ અકબંધ છે. તેમને ત્રણ વખત ફિલ્મફેરનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ૨૦૦૫માં તેમને ફિલ્મફેર લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અને ૨૦૧૦માં IIFAલાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો.

તમે પણ આ પિટિશન ઝૂંબેશમાં જોડાઇ શકો છો. આ માટે ક્લિક કરો વેબલિન્કઃ

 http://www.ipetitions.com/petition/rajesh-khanna-waxwork-at-madame-tussauds


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter