લંડનઃ કોવિડ મહામારીમાં મોતને ભેટેલા વંશીય લઘુમતીના હજારો પેશન્ટ્સ જીવતા રહેવા જોઈતા હતા પરંતુ, તેઓ મેડિકલ ઉપકરણોમાં વર્ણવાદી પૂર્વગ્રહનો શિકાર બન્યા હોવાના મુદ્દે હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે રિવ્યૂનો આદેશ આપી દીધો છે. સંશોધનોમાં એમ જણાયું હતું કે માનવીના લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ દર્શાવતા તેમજ કોવિડના દર્દીઓને જીવનરક્ષક સારવારની જરૂર છે કે કેમ તેનું મૂલ્યાંકન કરતા ઓક્સિમીટર સાધનો ઘેરી ત્વચાના લોકો માટે ઓછી ચોકસાઈ દર્શાવે છે. આ તારણોના પગલે જાવિદે રિવ્યૂની કામગીરી શરૂ કરાવી છે.
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના ડેટાના વિશ્લેષણ મુજબ ઈંગ્લેન્ડમાં વ્હાઈટ વસ્તીની સરખામણીએ વંશીય લઘુમતી સમૂહોના સભ્યોમાં કોરોના વાઈરસથી થતા મોત બેથી ચાર ગણા વધુ હતા તેમ લાન્સેટ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં જણાયું હતું.
યુનાઈટેડ સ્ટેટ્સમાં ૧૦,૦૦૦થી વધુ લોકોનો અભ્યાસ ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં ગયા વર્ષે પ્રસિદ્ધ કરાયો હતો જેના તારણો અનુસાર ગોરા પેશન્ટ્સની સરખામણીએ અશ્વેત પેશન્ટ્સના ઓક્સિમેટ્રી રીડિંગ્સમાં નોંધપાત્ર ત્રણ ગણો તફાવત રહેવાની શક્યતા હતી. ઓક્સિમીટરના રીડિંગ્સમાં ૯૨થી ૯૬ પોઈન્ટ ઓક્સિજન સેચ્યુરેશન સલામત ગણાય છે જ્યારે ૮૮થી ઓછાં પોઈન્ટ જોખમી ગણાય છે. ઓક્સિમીટર રીડિંગ્સને વધુ ચોક્કસ ‘આર્ટરી બ્લડ ગેસ’ પદ્ધતિ સામે ચકાસવાથી જણાયું હતું કે ઓક્સિમીટર દ્વારા રીડિંગ્સમાં સલામત ગણાવાયેલા ૧૨ ટકા અશ્વેત પેશન્ટ્સ વાસ્તવમાં જોખમી સ્તરમાં આવતા હતા જ્યારે માત્ર ૪ ટકા ગોરા પેશન્ટમાં આ તફાવત જોવા મળ્યો હતો. ઓક્સિમીટર્સ ઉપરાંત, મોટા ભાગની ડ્રગ્સનું પરીક્ષણ શ્વેત લોકો પર જ થતું હોય છે પરંતુ, લોકો ચોક્કસ સારવારનો કેવો પ્રતિભાવ આપે છે તેનો આધાર તેમની વંશીયતા અને જિનેટિક્સ પર હોય છે.
તમામ મેડિકલ સાધનો-ઉપકરણોનું વેચાણ કરાય તે પહેલા તમામ વંશીયતાના લોકો પર તેનું પરીક્ષણ કરાવવાના આંતરરાષ્ટ્રીય માપદંડો સ્થાપવા મુદ્દે સાજિદ જાવિદ અને તેમના યુએસ સમકક્ષ ઝેવિયર બેકેરા સાથે મળીને કામ કરી રહ્યા છે. સન્ડે ટાઈમ્સમાં સાજિદ જાવિદે લખ્યું છે કે,‘આપણા NHS નો એક પ્રસ્થાપિત સિદ્ધાંત સમાનતાનો છે અને અજાણતા પણ પૂર્વગ્રહની શક્યતા નબળા આરોગ્ય પરિણામ તરફ દોરી જાય તેને સ્વીકારી શકાય નહિ. મેડિકલ ઉપકરણોમાં પૂર્વગ્રહનો મુદ્દો લાંબા સમયથી છુપાતો રહ્યો છે. આપણે આ સાધનોમાં રહેલા પૂર્વગ્રહ-પક્ષપાત અને ફ્રન્ટલાઈન પર તેની અસરો વિશે જાણવું આવશ્યક છે.


