લંડનઃ વર્કપ્લેસ પર મહિલાઓ સાથે ભેદભાવ નવી વાત નથી પરંતુ, મેડિકલ ક્ષેત્ર જેવા સન્માનીય વ્યવસાયમાં પણ આવો ભેદભાવ ચિંતા વધારે છે. બ્રિટનમાં દર ૧૦માંથી ૯ મહિલા ડોક્ટરે પેશન્ટ્સ, સાથી ડોક્ટર્સ તેમજ અન્ય NHS સ્ટાફ દ્વારા રેસિઝમનો સામનો કરવો પડે છે. બ્રિટિશ મેડિકલ એસોસિયેશન (BMA)ના સર્વેના રિપોર્ટ ‘Sexism in Medicine’માં મહિલા ડોક્ટર્સની છેડતી, કામની તક ન મળવી તેમજ ઓછાં વેતન જેવો ભેદભાવ મુખ્ય હોવાનું જણાવાયું છે. સર્વેમાં NHSની અડધીથી વધુ મહિલા ડોક્ટર્સ સાથે ગેરવર્તણૂક કે મારપીટ થયાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.
BMA દ્વારા ડોક્ટર્સને ગત ૧૨ મહિનામાં તેમની સાથે જાતિવાદી વર્તનનો અનુભવ થયો હતો કે કેમ તે પૂછાયું હતું. તમામ ડોક્ટર્સમાંથી ૧૦માંથી ચાર (૪૨ ટકા) ડોક્ટર્સે જણાવ્યું હતું કે ગત બે વર્ષમાં સેક્સીઝમ સાથે સંકળાયેલા કે જોયેલા અનુભવ ભેદભાવની ફરિયાદ કે જાણ કરવાનું પસંદ કર્યું ન હતું.
માર્ચ મહિનામાં કરાયેલા સર્વેમાં ૨,૪૫૮ ડોક્ટર્સ સામેલ થયા હતા જેમાં ૮૨ ટકા મહિલા અને ૧૬ ટકા પુરુષ ડોક્ટર્સ હતા. BMAના સર્વેમાં સામેલ ૮૪ ટકા ડોક્ટરોએ સ્વીકાર્યું કે મેડિકલ વ્યવસાયમાં લૈંગિક ભેદભાવ મોટો મુદ્દો છે જ્યારે ૭૫ ટકા ડોક્ટર્સના મતે રેસિઝમ કારકિર્દીની પ્રગતિમાં મોટો અવરોધ છે. મહિલા હોવાને લીધે તેમને તક પણ ઓછી અપાય છે. મહિલા ડોક્ટર્સના ૬૧ ટકાએ જણાવ્યું હતું કે તેમના જેન્ડરના કારણે ચોક્કસ સ્પેશિયાલિટીમાં કામ કરવાનું પ્રોત્સાહન અપાયું ન હતું જ્યારે તેમાંથી ૩૯ ટકા મહિલા ડોક્ટર્સે તે સ્પેશિયાલિટીમાં નહિ જવા નિર્ણય લીધો હતો.
સર્વેમાં સામેલ ૯૧ ટકા મહિલા ડોક્ટરોએ કહ્યું કે તેમને કામ દરમિયાન ભેદભાવનો સામનો કરવો પડ્યો જ્યારે ૧૨ ટકા પુરુષ ડોક્ટર્સની સરખામણીએ ૭૦ ટકા મહિલા ડોક્ટર્સે પ્રોફેશન સંબંધિત તેમની ક્ષમતા પર શંકા કરાતી હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ, ૫૬ ટકા મહિલા તબીબો અને ૨૮ ટકા પુરુષ તબીબોએ તેમની જેન્ડરના કારણે અનિચ્છનીય મૌખિક ગેરવર્તણૂક અને ધમકીઓનો સામનો કર્યો હતો. ૨૩ ટકા પુરુષ ડોક્ટર્સની સરખામણીએ ૩૧ ટકા મહિલા ડોક્ટરોએ તેમને વર્કપ્લેસ પર છેડતીનો સામનો કરવો પડ્યો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન, જેન્ડરના કારણે તેમને ટ્રેનિંગમાં વધુ તક મળી હોવાનું ૨૮ ટકા પુરુષ ડોક્ટર્સે જણાવ્યું હતું. આની સામે માત્ર ૧ ટકા મહિલાએ તેમને સારી મળ્યાંનું જણાવ્યું હતું. નોંધપાત્ર મહિલા ડોક્ટર્સે પ્રેગનન્સી અને પેરન્ટલ લીવના મુદ્દાઓ પર તેમની સાથે ભેદભાવ કરાતો હોવાની લાગણી વ્યક્ત કરી હતી.
મહિલા ડોક્ટર્સ સાથે વેતનમાં પણ ભેદભાવ
મહિલા ડોક્ટરો સાથે ભેદભાવ ફક્ત વાતો અને વર્તન સુધી મર્યાદિત નથી. બ્રિટનમાં મહિલા ડોક્ટરનો પગાર પણ પુરુષ સમકક્ષોની સરખામણીએ ૩૦ ટકા ઓછો છે. ન્યૂ મેડસ્કેપના ૨૦૨૦ના અભ્યાસ મુજબ મહિલા ડોક્ટરોને પુરુષ ડોક્ટર કરતાં ૩૫ લાખ રૂપિયા (આશરે ૩૪,૬૧૧ પાઉન્ડ) ઓછાં મળે છે. એસોસિયેશનના પ્રતિનિધિ એકમના કાર્યવાહક પ્રમુખ ડૉ. લતીફા પટેલ કહે છે કે આ ભયાવહ છે કે ૨૦૨૧માં આપણે એવી અસમાનતાઓ અંગે વાત કરી રહ્યા છીએ. એસોસિયેશને કહ્યું કે આ આંકડા ડરાવનારા અને રિપોર્ટ ચોંકાવનારો છે. જલદી જ તે આ મુદ્દાઓના સમાધાન માટે વ્યવસ્થાતંત્ર બનાવશે.