લંડનઃ રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન ઓફ ધ યુનાઇટેડ કિંગડમનું સભ્યપદ મેળવવા માટે હાથ ધરાતી શ્રેણીબદ્ધ પરીક્ષાઓ પૈકીની પાર્ટ ટુ ટેસ્ટમાં ડોક્ટરોને ખોટી રીતે પાસ જાહેર કરી દેવાતાં એનએચએસના કર્મચારીઓ અને દર્દીઓ પર ગંભીર અસરો પડી શકે છે તેવી ચેતવણી સીનિયર મેડિક્સ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
એક અખબાર દ્વારા ચોંકાવનારો ઘટસ્ફોટ કરતાં દાવો કરાયો છે કે 18 મહિના પહેલાં લેવાયેલી ટેસ્ટમાં 222 ડોક્ટરોને એમ જણાવી દેવાયું હતું કે તમે ટેસ્ટમાં પાસ થઇ ગયાં છો પરંતુ હકીકતમાં તેઓ નાપાસ થયાં હતાં. ડોક્ટર્સ એસોસિએશન યુકે અને બ્રિટિશ મેજિકલ એસોસિએશને અખબારી અહેવાલ બાદ તપાસની માગ કરી છે. આ અહેવાલ બહાર આવ્યા બાદ દર્દીઓમાં પણ ભય વ્યાપી ગયો છે કારણ કે આ ડોક્ટરો ઇન્ટેન્સિવ કેર અને કાર્ડિયોલોજી જેવા મહત્વના વિભાગોમાં ફરજ બજાવી રહ્યાં હશે.
આ 222 પૈકીના કેટલા ડોક્ટર રજિસ્ટ્રાર બનવા તરફ આગળ વધી ગયાં છે તેની હાલ કોઇ જાણકારી નથી પરંતુ 6 સપ્ટેમ્બર 2023ના રોજ લેવાયેલી પરીક્ષામાં 1451 ડોક્ટર બેઠાં હતાં જેમાંથી 61ને તેઓ નાપાસ થયા હોવાનું જણાવાયું હતું પરંતુ હકીકત એ છે કે આ 61 ડોક્ટર ટેસ્ટમાં પાસ થયાં હતાં.
આ બ્લન્ડરના કારણે દર્દીઓની સુરક્ષા જોખમાઇ છે કે કેમ તેની તપાસ જનરલ મેડિકલ કાઉન્સિલ દ્વારા હાથ ધરાઇ છે.