મેડિકલ પરીક્ષામાં ગેરરિતીની આશંકાથી ઓક્સફર્ડે પરિણામ રદ કરી દીધું

પાનખરમાં નવી તારીખ સાથે ફરીથી ટેસ્ટ લેવાનો આદેશ

Wednesday 17th August 2022 05:43 EDT
 

લંડન

ઓક્સફર્ડ યુનિવર્સિટીના મેડિકલ વિદ્યાર્થીઓ પર વાર્ષિક પરીક્ષામાં ચીટિંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે જેના પગલે તેમને આખું વર્ષ ફરીવાર અભ્યાસ કરવો પડશે. ટેસ્ટ લેવાતાં પહેલાં વિદ્યાર્થીઓને મહત્વની માહિતી આપી દેવાઇ હોવાના આરોપોને પગલે ઓબ્જેક્ટિવ સ્ટ્રક્ચર્ડ ક્લિનિકલ એક્ઝામિનેશન્સના તમામ માર્ક રદ કરી દેવાયાં છે. આ એક્ઝામમાં મેડિકલ વિદ્યાર્થીઓએ વાસ્તવિક દર્દીઓના સ્વાંગમાં રહેતા ડમી દર્દીઓ સાથે વાતચીત અને સારવાર કરવાની હોય છે. હવે છઠ્ઠા અને ફાઇનલ યરના વિદ્યાર્થીઓના આખા જૂથને ફરીવાર એક્ઝામ આપવી પડશે. તે દરમિયાન જે પરીક્ષાઓમાં ચીટિંગ થયું નથી તેવી અન્ય તમામ પરીક્ષાઓના માર્કના આધારે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા રેન્ક અપાશે.

એક્ઝામિનર્સના અધ્યક્ષ ડો. સન્જા થોમ્પસને વિદ્યાર્થીઓ દ્વારા પ્રસિદ્ધ કરાતા અખબાર ચેરવેલને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, આ પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ દ્વારા ચીટિંગ કરાયું છે તે શોધવું અઘરૂં કામ છે. આ મામલામાં ચાલી રહેલી તપાસની કોઇપણ વિગતો પણ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાશે નહીં. વિદ્યાર્થીઓએ પાનખરમાં હાથ ધરાનારી પરીક્ષા ફરી આપવી પડશે. જોકે આ અંગેની તારીખ હજુ જાહેર કરાઇ નથી.

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના વ્યવહાર અને એકબીજાને પરીક્ષા અંગેની માહિતી આપવાની શંકાસ્પદ પ્રવૃત્તિનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ પાંચમા વર્ષ અને જીઇથ્રીની ઓબ્જેક્ટિવ ક્લિનિકલ એક્ઝામ અંગે નિર્ણયનો મામલો પ્રોક્ટર્સ ઓફિસને સોંપાયો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ આ પ્રકારની પ્રવત્તિની ગંભીર નોંધ લીધી છે. તે સાથે સમગ્ર પરીક્ષાના પરિણામ રદ કરી દેવાયાં છે અને હવે પાનખરમાં નવી તારીખ સાથે નવેસરથી આ પરીક્ષા લેવામાં આવશે. તેના કારણે સર્જાનારી અનિશ્ચિતતા અને વિદ્યાર્થીઓમાં પ્રવર્તતી મૂંઝવણથી અમે સારી રીતે પરિચિત છીએ. આ નિર્ણયને કારણે અસરગ્રસ્ત થનારા વિદ્યાર્થીઓને પાસ્ટરોલ અને એસેસમેન્ટ સર્પોર્ટ અપાશે. તે ઉપરાંત વિદ્યાર્થીઓના સવાલો અને મંતવ્યો પર ધ્યાન આપવા માટે એક ફોરમની પણ રચના કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter