લંડનઃ બ્રિટિશ યુનિવર્સિટીઓ સમગ્ર દુનિયામાં મેથ્સ અને અંગ્રેજી માટે સૌથી શ્રેષ્ઠ ડિગ્રી આપતી હોવાનું તારણ યુનિવર્સિટીઓને રેન્કિંગ આપતી વૈશ્વિક એજન્સી QS tableનું છે. આ ઉપરાંત, ઈતિહાસ, ભૂગોળ, આધુનિક ભાષાઓ, આર્ટ એન્ડ ડિઝાઈન તેમજ શિક્ષણમાં પણ તે ટોચ પર છે. એકંદરે બ્રિટનનું યુનિવર્સિટી સેક્ટર અમેરિકા પછી બીજા ક્રમે છે.
૧૬ બ્રિટિશ યુનિવર્સિટી બીજા ક્રમના અને ૨૧ યુનિવર્સિટી ત્રીજા ક્રમના શ્રેષ્ઠ કોર્સ ઓફર કરે છે. વિષયની દૃષ્ટિએ યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજના ૩૬ ડિગ્રી કોર્સને વિશ્વના ટોપ ટેનમાં સ્થાન અપાયું હતું. ઓક્સફર્ડના ૩૩ અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના ૧૩ ડિગ્રી કોર્સને તેમાં સ્થાન મળ્યું હતું. ૪૨ વિષયોના ડિગ્રી કોર્સના રેન્કિંગ માટે ૭૬,૦૦૦ શિક્ષણવિદો અને ૪૪,૦૦૦ કર્મચારીઓનો સર્વે તેમજ રિસર્ચ પેપરો અને સાઈટેશનનું મૂલ્યાંકન કરાયું હતું.


