લંડન: વડાપ્રધાન સર કેર સ્ટાર્મર ફરી એકવાર મોટા રાજકીય વિવાદમાં ફસાયા છે. અમેરિકામાં બ્રિટિશ રાજદૂત તરીકે લોર્ડ પીટર મેન્ડલસનની નિમણૂક વખતે તેઓ સુરક્ષા તપાસમાં નિષ્ફળ રહ્યા હોવા છતાં તેમની વરણી કરવામાં આવી હતી. આ ઘટસ્ફોટ બાદ વિરોધ પક્ષોએ વડાપ્રધાન પર સંસદને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરી તેમના રાજીનામાની માંગ કરી છે.
તપાસમાં બહાર આવ્યું છે કે જાન્યુઆરી 2025માં હાથ ધરવામાં આવેલી અત્યંત ગુપ્ત 'ડેવલપ્ડ વેટિંગ' પ્રક્રિયામાં સુરક્ષા અધિકારીઓએ મેન્ડલસનને ક્લિયરન્સ આપવાનો ઇનકાર કર્યો હતો. સુરક્ષા એજન્સીઓની નકારાત્મક ભલામણ છતાં ફોરેન ઓફિસના ઉચ્ચ અધિકારીઓએ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને આ નિર્ણયને ફેરવી તોળ્યો હતો જેથી મેન્ડલસન વોશિંગ્ટનમાં કાર્યભાર સંભાળી શકે.
અગાઉ પણ મેન્ડલસન વિવાદાસ્પદ અમેરિકન અપરાધી જેફરી એપસ્ટિન સાથેના સંબંધોને કારણે ટીકાઓનો સામનો કરી રહ્યા હતા. જેના પગલે સપ્ટેમ્બર 2025માં તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા.
વિરોધ પક્ષના નેતા કેમી બેડેનોકે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાને સંસદમાં ત્રણ વખત ખાતરી આપી હતી કે નિમણૂકમાં તમામ નિયમોનું પાલન થયું છે. હવે સ્પષ્ટ છે કે તેમણે ગૃહને ગેરમાર્ગે દોર્યું છે. લિબરલ ડેમોક્રેટ અને અન્ય પક્ષોએ પણ આ મુદ્દે વડાપ્રધાનની નૈતિકતા પર સવાલ ઉઠાવ્યા છે.


