મેન્ડલસનના કારણે વડાપ્રધાનની પ્રતિષ્ઠા અને ખુરશી દાવ પર

સર સ્ટાર્મર લડી લેવાના મૂડમાં, સ્કોટિશ લેબર નેતા અનસ સરવરની રાજીનામાની માગ વડાપ્રધાન અને કેબિનેટે ફગાવી દીધી

Tuesday 10th February 2026 09:13 EST
 
 

લંડનઃ વિશ્વભરમાં ખળભળાટ મચાવી રહેલી જેફરી એપસ્ટિન ફાઇલ્સ હવે બ્રિટનના રાજકારણમાં પણ એક પછી એક ભૂકંપ સર્જવા લાગી છે. તાજેતરમાં લેબર પાર્ટી સાથે છેડો ફાડનાર અને હાઉસ ઓફ લોર્ડ્સમાંથી રાજીનામુ આપનાર પીટર મેન્ડલસનની એપસ્ટિન કાંડમાંની ભુમિકાએ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરની પ્રતિષ્ઠાને ભયાનક નુકસાન કર્યું છે અને હાલ વડાપ્રધાન પોતે ખુરશી ગુમાવવા સુધીના રાજકીય જોખમનો સામનો કરી રહ્યાં છે. એપસ્ટિન ફાઇલમાં સ્ટાર્મર પર કોઇ ખોટા કામનો આરોપ નથી પરંતુ નૈતિકતા અને રાજકીય વ્યવસ્થાપનમાં સ્ટાર્મરની નબળાઇઓ સામે આવી ગઇ છે અને તેમના વિરોધીઓ ભરપૂર લાભ ઉઠાવવા ટાંપીને બેઠા છે.

આમ તો વડાપ્રધાન સ્ટાર્મરે લેબર પાર્ટીને સત્તામાં લાવવાની સફળતા પ્રાપ્ત કરી હતી. મતદારોમાં લેબર પાર્ટીને પ્રમાણિકતા, યોગ્યતા અને કાયદાના શાસનને આદર આપતી પાર્ટી તરીકે સ્થાપિત કરી હતી પરંતુ હવે તેમની આસપાસના વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ અપાયેલી ચેતવણીઓને અવગણવાનો આરોપ સ્ટાર્મર પર મૂકાઇ રહ્યો છે. મેન્ડલસને ખરેખર સ્ટાર્મરને ભારે મુશ્કેલીમાં મૂકી દીધાં છે.

સોમવારે સ્કોટિશ લેબર લીડર અનસ સરવરે એક નાટકીય પ્રેસ કોન્ફરન્સ યોજીને સ્ટાર્મરના રાજીનામાની માગ કરી હતી. સરવરે જણાવ્યું હતું કે, ડાઉનિંગ સ્ટ્રીટ સારી રીતે કામ કરી રહી નથી અને સરકારના ટોચના પદાધિકારીઓએ ઘણી ભૂલ કરી છે. જોકે સરવરની માગ બાદ તમામ કેબિનેટ મિનિસ્ટરોએ વડાપ્રધાન સ્ટાર્મરનું સમર્થન કર્યું હતું.

સોમવારે સાંજે વડાપ્રધાન સ્ટાર્મરે લેબર સંસદીય પાર્ટીની બેઠકમાં સાંસદોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, હું રાજીનામુ આપવાનો નથી. હું દરેક લડાઇ લડી લઇશ અને જીતીશ. હું દેશ પ્રત્યેની મારી જવાબદારી મૂકીને નાસી જવાનો નથી.

મેન્ડલસન વિવાદમાં સ્ટાર્મરના સલાહકાર મોર્ગન મેકસ્વીનીનું રાજીનામુ

મેન્ડલસન વિવાદમાં હવે એક પછી એક રાજકીય વિકેટોની શરૂઆત થઇ ગઇ છે. અમેરિકા ખાતે લોર્ડ મેન્ડલસનની બ્રિટિશ રાજદૂત તરીકેની નિયુક્તિમાં પોતાની ભુમિકાની જવાબદારી સ્વીકારતા વડાપ્રધાન સ્ટાર્મરના ચીફ ઓફ સ્ટાફ મોર્ગન મેકસ્વીનીએ નાટકીય રીતે રાજીનામુ આપી દીધું હતું. એપસ્ટિન સાથેના મેન્ડલસનના સંબંધો બહાર આવી ગયાં હોવા છતાં વડાપ્રધાનના સલાહકાર મેકસ્વીનીએ મેન્ડલસનને અમેરિકા ખાતે રાજદૂત તરીકે નિયુક્ત કરવા દબાણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મેન્ડલસનની નિયુક્તિ માટે વડાપ્રધાનને સલાહ આપવાની સંપુર્ણ જવાબદારી હું સ્વીકારું છું.

મેકસ્વીની બાદ સ્ટાર્મરના કોમ્યુનિકેશન ડિરેક્ટર ટીમ એલનનું પણ રાજીનામુ

લંડનઃ લેબર સરકારની કટોકટી વધુ ઘેરી બની રહી છે. વડાપ્રધાન સ્ટાર્મરના નેતૃત્વ પર સવાલોમાં વધારો કરતાં હવે તેમના કોમ્યુનિકેશન ડિરેક્ટર ટીમ એલને પણ રાજીનામુ આપી દીધું છે. વરિષ્ઠ રાજકીય હસ્તી ગણાતા એલન હજુ પાંચ મહિના પહેલાં જ સ્ટાર્મર સરકારમાં સામેલ થયા હતા. ટીમ એલન અને પીટર મેન્ડલસન ગાઢ મિત્રો છે અને બંન ટોની બ્લેરની સરકારમાં સાથે કામ કરી ચૂક્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, 10 ડાઉનિંગ સ્ટ્રીટ નવી ટીમ બનાવી શકે તે માટે મેં રાજીનામુ આપ્યું છે.

વેસ સ્ટ્રીટિંગ પર બળવો પોકારવાનો એડ મિલિબેન્ડનો આરોપ

રાજકીય ઘમસાણ વચ્ચે એનર્જી સેક્રેટરી એડ મિલિબેન્ડે હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગ પર વડાપ્રધાન સ્ટાર્મર વિરુદ્ધના બળવાનું નેતૃત્વ કરી રહ્યા હોવાનો આરોપ મૂક્યો છે. તેમણે પોતાના કેબિનેટ સહયોગીને સલાહ આપી હતી કે તમારી જાત પર નહીં પરંતુ દેશ પર ધ્યાન કેન્દ્રિત કરો. જોકે સ્ટ્રીટિંગે તેઓ બળવો કરાવી રહ્યા હોવાના આરોપ નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે, 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેલા લોકો મારી વિરુદ્ધ જુઠ્ઠાણા ચલાવી રહ્યાં છે. મિલિબેન્ડે જણાવ્યું હતું કે આપણે આ બધું ભૂતકાળમાં ધકેલીને આગળ વધવું જોઇએ. સ્ટ્રીટિંગે સર સ્ટાર્મર અને રેચલ રીવ્ઝની ટીકા કરતા મેસેજ મેન્ડલસનને પાઠવ્યા હતા. તેને પ્રસિદ્ધ કરતાં વિવાદ વધુ ઘેરો બન્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter