લંડનઃ વિવાદમાં રહેલા પીટર મેન્ડલસનની પૂર્વ લોબીઈંગ ફર્મ ગ્લોબલ કાઉન્સેલ 4.6 મિલિયન પાઉન્ડના દેવા સાથે નાદારીમાં ગઈ છે. આ ફર્મ પાસે કાયદેસર ટેક્સના 600,000 પાઉન્ડથી વધુ રકમ લહેણી નીકળે છે. આ કંપની ચાઈનીઝ માલિકીની ટિક-ટોક, યુએસ ટેક ફર્મ પાલન્ટિર અને યુકે ફાર્માસ્યુટિકલ જાયન્ટ GSK સહિત હાઈ પ્રોફાઈલ ક્લાયન્ટ્સને સલાહ પૂરી પાડતી હતી. સજા પામેલા ચાઈલ્ડ સેક્સ ઓફેન્ડર જેફ્રી એપ્સ્ટિન સાથે ઉચ્ચ અધિકારીના સંબંધો બહાર આવવાના પરિણામે કંપનીએ સંખ્યાબંધ એકાઉન્ટ્સ ગુમાવ્યા હતા. કોઈ ખોટું કામ કર્યાનું નકારતા મેન્ડલસને 2024માં બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું પરંતુ, કંપનીમાં શેર્સ જાળવી રાખ્યા હતા.
-------------------------------------
મુસ્લિમ વોટર ગ્રૂપનો પ્લેઈડ સીમરુ અને ગ્રીન્સને ટેકો
લંડનઃ મુસ્લિમ વોટર ગ્રૂપ વેલ્શ ઈલેક્શનમાં પ્લેઈડ સીમરુ અને ગ્રીન્સને ટેકો જાહેર કરશે. મુસ્લિમોએ કોને મત આપવો જોઈએ તેના પર ધ્યાન આપતા પ્રેશર ગ્રૂપે આગામી મહિનાના સેનેડ ઈલેક્શનમાં પ્લેઈડ સીમરુ અને ગ્રીન્સ પાર્ટીના ઉમેદવારોની તરફેણ કરશે. મુસ્લિમ વોટ ગ્રૂપે તાજેતરમાં જણાવ્યું હતું કે તેમની વ્યાપક રણનીતિ લેબર વિરુદ્ધ મુસ્લિમોના મતદાનની રહેશે. ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વેલ્સમાં મુસ્લિમ કોમ્યુનિટીઓ જીવનનિર્વાહની વધતી કિંમતો, લિવિંગ સ્ટાન્ડર્ડ્સમાં ઘટાડા, જાહેર સેવાઓને ઓછાં ભંડોળ તેમજ ઈસ્લામોફોબિયામાં વધારાથી ચિંતિત છે.
------------------------------------
મોરેશિયસ ચાગોસ ડીલ માટે રાહ જોશે
લંડનઃ મોરેશિયસે જણાવ્યું છે કે ચાગોસ આઈલેન્ડસ પરત કરવાની સમજૂતી પર આખરી મહોર લાગે તે માટે તે જુલાઈના અંત સુધી રાહ જોશે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધના પગલે યુકેએ હાલ પુરતી આ સમજૂતી મુલતવી રાખી છે. સમજૂતી મુલતવી રખાયા પછી બ્રિટિશ ડેલિગેશને હાલમાં જ મોરેશિયસ પ્રાઈમ મિનિસ્ટર નવિન રામગુલામની મુલાકાત લીધી હતી. આ સમજૂતી હેઠળ ડિએગો ગાર્સિયા ટાપુ પર બ્રિટિશ-યુએસ મિલિટરી બેઝનો ઉપયોગ ચાલુ રાખવા સાથે ચાગોસ આઈલેન્ડ્સ પરની સોવર્નિટી મોરેશિયસને સુપરત કરાવાની છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરીમાં આ ડીલને મોટી ભૂલ ગણાવી હતી. જોકે, તેમણે અગાઉ એમ પણ જણાવ્યું હતું કે યુકેના પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મર હાંસલ કરી શકે તેવી શ્રેષ્ઠ સમજૂતી છે.
---------------------------------------
કાઉન્સિલરે કોલ હેન્ડલરને ઈંગ્લિશ બોલવા કહ્યા પછી માફી માગી
લંડનઃ ન્યૂપોર્ટ સિટી કાઉન્સિલના ઈન્ડિપેન્ડન્ટ કાઉન્સિલર જેનેટ ક્લેવર્લીએ ફોન કોલ દરમિયાન કાઉન્સિલના કોલ હેન્ડલરને ઈંગ્લિશમાં બોલવાનું જણાવ્યું હતું. ઓમ્બુડ્સમેનની તપાસમાં કાઉન્સિલરની ટીપ્પણીઓ અપમાનજનક ગણાવાઈ હતી. મોનિટરિંગ ઓફિસરે કહ્યું હતું કે કોલ હેન્ડલર અસ્ખલિત ઈંગ્લિશમાં બોલતા હતા. કાઉન્સિલર જેનેટ ક્લેવર્લીને ઠપકો આપવામાં આવ્યો હતો અને તેમણે વધુ ટ્રેનિંગ લેવી પડશે. કાઉન્સિલરે આખરે માફી માગી હતી અને કાઉન્સિલની સ્ટાન્ડર્ડ કમિટી સમક્ષ જણાવ્યું હતું કે તેમને પોતાના વર્તનનું દુઃખ છે.


