લંડનઃ ગ્રાહકો અને મધ્યમ વર્ગના પરિવારો પર કરબોજ વધવાની શક્યતાઓ વચ્ચે લેબર સરકાર આગામી બજેટમાં મેન્શન ટેક્સ થ્રેશહોલ્ડ ઘટાડીને 1.5 મિલિયન પાઉન્ડ કરવાના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. આ પગલાના પરિણામે દેશમાં આશરે 3,00,000 ઘરો આ ટેક્સના દાયરામાં આવી જશે.
ચાન્સેલર જોન હીલી આગામી 28 ઓક્ટોબરના બજેટમાં તિજોરીની 10 બિલિયન પાઉન્ડની ખાધ પુરવા માટે વિવિધ વિકલ્પો ચકાસી રહ્યા છે. આ ટેક્સ અંતર્ગત વાર્ષિક 800 મિલિયન પાઉન્ડ જેટલી જંગી રકમ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 2 મિલિયન પાઉન્ડથી વધુ કિંમતની મિલકતો પર જ વધારાનો લેવી ચાર્જ લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી લગભગ 1,34,000 ઘરોને અસર થવાની ધારણા હતી. જોકે, નવી મર્યાદા અમલી બનતા આ સંખ્યા બમણાથી પણ વધીને 2,71,000 થઈ જશે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, ટ્રેઝરીમાં આ વિષય પર ગહન ચર્ચા ચાલી રહી છે. વ્યાજદરમાં વધારો અને અન્ય આર્થિક પડકારો વચ્ચે મધ્યમ વર્ગ અને ખાસ કરીને લંડન તથા દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડના વિસ્તારોમાં રહેતા પરિવારો પર આ નિર્ણયની ગંભીર અસર પડી શકે છે તેવી ચિંતાઓ પણ નિષ્ણાતો અને સ્થાનિક કાઉન્સિલો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

