કેમ્બ્રિજઃ ગ્રિફિન નામના ૨૨ વર્ષના આફ્રિકન ગ્રે પોપટે એક મેમરી ટેસ્ટમાં હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક બાળકોને હરાવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.
શેલ મેમરી ગેમ અંતર્ગત ચાર એક સરખા રંગના કપમાંથી એકની નીચે એક રંગીન ચીજ મુકવામાં આવી હતી અને ત્યાર બાદ કપને આડા-અવળા ફેરવવામાં આવ્યા હતા. જે પછી કયા કપની નીચે રંગીન ચીજ પડી છે, તે શોધવામાં આ આફ્રિકાનો ભૂખરા રંગનો પોપટ હાર્વર્ડના વિદ્યાર્થીઓ અને અન્યો કરતાં વધુ ચતુર સાબિત થયો હતો. હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકો માનવીય યાદશક્તિના કૌશલ્યની સરખામણી આફ્રિકાના ભૂખરા રંગના પોપટની સાથે કરી રહ્યા છે. માનવ ઉક્રાંતિમાં આ પક્ષી, માનવોથી ૩૦ કરોડ વર્ષ પૂર્વે અલગ થયું હતું. આ અનોખા મેમરી ટેસ્ટમાં હાર્વર્ડમાં અભ્યાસ કરતાં ૨૧ અંડરગ્રેજ્યુએટ્ વિદ્યાર્થીઓ તેમજ છથી આઠ વર્ષના ૨૧ બાળકોએ ભાગ લીધો હતો. જેમની સામે ૨૨ વર્ષનો ગ્રિફિન નામનો એક આફ્રિકન ગ્રે પોપટ પોપટ હતો. તેમની વચ્ચે ક્લાસિક શેલ ગેમ્સના કેટલાક રાઉન્ડનું આયોજન થયું હતું.
આ રમતમાં નજરોની ચપળતા અને એકાગ્રતાની તીવ્ર કસોટી થાય છે. ચાર એક સરખા ગ્લાસમાંથી એકની નીચે રંગીન ચીજ મુકવામાં આવે છે અને ત્યાર બાદ તે ગ્લાસને ઝડપથી આડા-અવળા ફેરવવામાં આવવામાં આવે છે, જેના કારણે રંગીન ચીજ કયા ગ્લાસની નીચે હશે તે કહેવું મુશ્કેલ બનતું હોય છે. જુદી-જુદી ડિફિકલ્ટી ધરાવતા ૧૪ રાઉન્ડમાંથી ૧૨ રાઉન્ડમાં તો ગ્રિફિનની ચોકસાઇ પુખ્ત વ્યક્તિઓ કરતાં પણ વધુ સારી જોવા મળી હતી.
પોપટે અચરજભરી ચોકસાઇ સાથે તમામ રાઉન્ડ્સમાં બાળકોને હરાવી દીધા હતા. હાર્વર્ડ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સાઈકોલોજીના વડા હ્યાગ પેલિયને કહ્યું કે, એક પોપટ હાર્વર્ડના અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને હરાવી દે તે બાબત જ ભારે અચરજભરી છે. પ્રત્યેક રાઉન્ડમાં સંશોધકોએ જુદા-જુદા રંગની ચીજને એક જ લાઈનમાં ગોઠવેલા ચાર કપની નીચે મુકી હતી. કપની નીચે રંગીન ચીજ મૂક્યા બાદ ચારેય કપનું સ્થાન ઝડપથી ચારથી છ વખત બદલવામાં આવ્યું હતું. જે પછી ચીજ કયા કપની નીચે હશે તે સ્પર્ધકોને પૂછવામાં આવ્યું હતું.