લંડનઃ ટ્રાન્સપોર્ટ ફોર લંડનની નાણાકીય સ્થિતિ સુધારવા મેયર સાદિક ખાન કન્જેશન ચાર્જિંગ યોજનાને વિસ્તારવા તૈયારી કરી રહ્યા છે જેના પરિણામે, વાહનચાલકોને નવા ખર્ચાનો સામનો કરવો પડશે. મેયર ખાન ‘ચેકપોઈન્ટ ચિગવેલ’ પ્લાન હેઠળ પ્રતિ વાહન ૫.૫૦ પાઉન્ડ સુધીની લેવી સાથે કન્જેશન ચાર્જિંગ ઝોનની સીમા ગ્રેટર લંડન સુધી વિસ્તારવા આગળ વધી રહ્યા છે. લંડનના મેયરે આ યોજનાની ફીઝિબિલીટી સ્ટડી કરવા આદેશ આપી દીધો છે.
સિટી હોલના જાણકાર સૂત્રોએ જણાવ્યા મુજબ ટ્રાન્સપોર્ટ ફોર લંડનની વાર્ષિક ૫૦૦ મિલિયન પાઉન્ડની ખાઈ પૂરવાનો મેયરનો ઈરાદો છે. સરકાર પાસેથી વ્હિકલ એક્સાઈઝ ડ્યૂટી-રોડ ટેક્સમાં કેપિટલનો હિસ્સો મેળવવાની યોજના હાલ પડતી મૂકાઈ છે. લંડનની બસ, ટ્યૂબ અને રેઈલ સેવાઓને ચાલુ રાખી શકાય તે માટે વેસ્ટમિન્સ્ટર દ્વારા કેપિટલની ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને શ્રેણીબદ્ધ બેઈલ આઉટ પેકેજ અપાયા હતા.
ગ્રેટર લંડનની સીમાઓમાં વાહનના પ્રકારને આધારિત દૈનિક ૩.૫૦ પાઉન્ડથી ૫.૫૦ પાઉન્ડ વચ્ચે ચાર્જ રાખવાની યોજના જાન્યુઆરીમાં જ બહાર આવી ત્યારે ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સ અને કન્ઝર્વેટિવ બેકબેન્ચર્સે ભારે વિરોધ કર્યો હતો. કેપિટલની નજીક મતક્ષેત્ર ધરાવતા સાંસદોએ લંડનની નજીક રહેતા લોકો પર ટેક્સ ગણાવી દરખાસ્તોનો વિરોધ કર્યો છે. જોકે, સરકાર આ લેવી સામે વીટોનો ઉપયોગ નહિ કરે તેમ સિટી હોલના અધિકારીઓ માની રહ્યા છે.
કન્જેશન ચાર્જનો અમલ કરવો ભારે મુશ્કેલ બનશે કારણકે હજારો કેમેરા લગાવવા પડશે તેમજ લોકો લંડન આવતા અટકશે તો તેની નકારાત્મક આર્થિક અસરોનો પણ અભ્યાસ કરવો જરૂરી બનશે.