લંડનઃ પરિણીત દંપતીઓ માટે ટેક્સમાં રાહતની ડેવિડ કેમરનની યોજના ‘સદંતર નિષ્ફળ’ જાહેર કરાવામાં આવી છે. આ યોજના માટે લાયક દંપતીના માત્ર આઠ ટકા એટલે કે ૩૩૦,૦૦૦ દંપતીએ ટેક્સ-બ્રેક માટે દાવો કર્યો છે. આ યોજનાથી ૪૦ લાખ પરિણીત યુગલ અને ૧૫,૦૦૦ સિવિલ પાર્ટનર્સને લાભ મળવાનો દાવો વડા પ્રધાને કર્યો હતો. જોકે, સાંસદોએ કહ્યું હતું કે સાપ્તાહિક માત્ર ચાર પાઉન્ડના નજીવા એલાવન્સથી લોકો આકર્ષાય નહિ.
બાળકોની સંભાળ રાખવા માટે એક પેરન્ટ કામકાજ ન કરે અથવા માત્ર પાર્ટ-ટાઈમ કામકાજ કરે તેવી પરિસ્થિતિમાં પરિણીત યુગલને મદદ કરવાના હેતુસરની આ યોજનાનો લાભ પ્રથમ વર્ષમાં માત્ર ૩૩૦,૦૦૦ દંપતીએ લીધો હતો.
આ કરરાહત એવા દંપતીને લાગુ પડે છે, જેમાં એક જીવનસાથીની વાર્ષિક કમાણી ૪૨,૩૮૫ પાઉન્ડથી ઓછી હોય અને બીજા સાથીની કમાણી પર્સનલ એલાવન્સથી ઓછી હોય, જે આ વર્ષ માટે ૧૦,૬૦૦ પાઉન્ડ છે. આ યોજનામાં ઊંચી આવક ધરાવનાર સાથી તેમના પોતાના ટેક્સ ફ્રી પર્સનલ એલાવન્સના ૧૦,૬૦ પાઉન્ડ સુધીની રકમ તેના જીવનસાથી અથવા સિવિલ પાર્ટનરને ટ્રાન્સફર કરી શકે છે અને કપલ માટે તેનું મૂલ્ય ૨૧૨ પાઉન્ડ રહે છે.


