લંડનઃ ભારતમાં વોન્ટેડ એવા હીરાના વેપારી મેહુલ ચોક્સીએ લંડન હાઇકોર્ટમાં ભારત સરકાર અને યુકેમાં રહેતી બાર્બરા જારાબિક નામની હંગેરિયન મહિલા વિરુદ્ધ દાખલ કરેલો મલ્ટિ-મિલિયન પાઉન્ડનો વળતર દાવો પરત ખેંચી લીધો છે. ચોક્સીએ આક્ષેપ કર્યો હતો કે 23 મે, 2021ના રોજ એન્ટિગુઆ ખાતેથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ચોક્સી અંદાજે 1.3 બિલિયન પાઉન્ડના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં મુખ્ય આરોપી છે અને હાલ એન્ટવર્પની જેલમાં બંધ છે, જ્યાં તે બેલ્જિયમ કોર્ટના ભારત પ્રત્યાર્પણના આદેશ સામે અપીલ કરી રહ્યો છે.
અગાઉ, જસ્ટિસ મૅન્સફિલ્ડે આદેશ આપ્યો હતો કે ચોક્સીએ અન્ય ચાર આરોપીઓના લીગલ ખર્ચ પેટે અદાલતમાં સુરક્ષા રકમ જમા કરાવવી પડશે. જોકે ચોક્સી નિર્ધારિત સમયમર્યાદામાં આ રકમ ભરવામાં નિષ્ફળ રહ્યો હતો જેના કારણે અદાલતે તે ચાર પુરૂષ આરોપીઓ વિરુદ્ધનો દાવો રદ કર્યો હતો. ત્યારબાદ ચોક્સીએ ભારત સરકાર અને બાર્બરા જારાબિક સામેનો કેસ પણ સત્તાવાર રીતે પરત ખેંચી લીધો છે.


