લંડનઃ ભારતમાં વોન્ટેડ ભાગેડૂ હીરાના વેપારી મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલની બે મહિલાની જાતીય સતામણીના આરોપસર ધરપકડ કરી જેલભેગા કરાયા છે. આ અપરાધમાં મદદ કરવાના આરોપસર અગ્રવાલની પર્સનલ આસિસ્ટન્ટ મનપ્રીત કૌરને પણ જેલભેગી કરાઇ છે.
મેટ્રોપોલિટન પોલીસે 11 ઓગસ્ટના રોજ લંડનના પોશ વિસ્તાર ગણાતા મેફેર સ્થિત એક લક્ઝરી ટાઉનહાઉસ ખાતેથી ધરપકડ કરી હતી. તેમને 13 ઓગસ્ટના રોજ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
વિજય અગ્રવાલ પર 16 મે અને 9 ઓગસ્ટના રોજ બે મહિલાઓની સંમતિ વિના તેમને અયોગ્ય રીતે સ્પર્શ કરવાના અને જાતીય શોષણના ચાર આરોપો મૂકાયા છે. તેમની આસિસ્ટન્ટ મનપ્રીત કૌર પર આરોપ છે કે તેણે નોકરીની ખોટી જાહેરાતો આપીને મહિલાઓને આ સરનામે બોલાવી હતી અને ગુનો આચરવામાં મદદ કરી હતી. બંને આરોપીઓને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને કેસની આગામી સુનાવણી 10 સપ્ટેમ્બરે સાઉથવર્ક ક્રાઉન કોર્ટમાં હાથ ધરાશે.
નોંધનીય છે કે, વિજય અગ્રવાલ બેલ્જિયમના એન્ટવર્પમાં જેલમાં કેદ મેહુલ ચોક્સીના પ્રત્યર્પણ કેસનું નેતૃત્વ કરી રહ્યા છે. ચોક્સી ભારતમાં કરોડો રૂપિયાના પીએનબી કૌભાંડનો મુખ્ય આરોપી છે.


