લંડનઃ પ્રવાસીઓ પર પ્રતિબંધ લાદતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફરમાન બાદ બ્રિટનના ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મોહમ્મદ ફરાહે ટીકા કરી છે. તેણે કહ્યું કે, પ્રમુખ ટ્રમ્પના આદેશથી હવે તે અમેરિકા પરત ફરી શકશે કે નહીં તેને લઈ અનિશ્ચિતતા સર્જાઈ છે. ૩૩ વર્ષીય ફરાહનો જન્મ સોમાલિયામાં થયો છે.
જોકે તે છેલ્લા છ વર્ષથી અમેરિકાના ઓરેગન રાજ્યમાં રહે છે. પ્રમુખ ટ્રમ્પ દ્વારા કરાયેલા આદેશ મુજબ સોમાલી નાગરિક પણ અમેરિકા નહીં જઈ શકે.
ફરાહે કહ્યું આ ઘણી દુઃખ પહોંચાડનાર બાબત છે કે મારે મારા બાળકોને કહેવું પડશે કે, હું કદાચ ઘરે પરત નહીં આવી શકું. ફરાહ એ સમજવાનો પ્રયાસ કરી રહ્યો છે કે, તેની સાથે હવે અમેરિકા કેવો વ્યવહાર કરશે. ફરાહ ઇથિયોપિયાના એક ટ્રેનિંગ કેમ્પમાં છે. તે ઓગસ્ટમાં લંડનમાં યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારી કરી રહ્યો છે.
તેણે કહ્યું હું બ્રિટિશ નાગરિક છું અને છેલ્લા છ વર્ષથી અમેરિકામાં રહું છું. હું આકરી મહેનત કરું છું અને સમાજમાં મેં મારું યોગદાન આપ્યું છે. હું ટેક્સ ભરું છું અને હું મારા ચારેય બાળકોને અહીં લાવ્યો હતો. હવે બાળકો તેને પોતાનું ઘર માને છે. હું અને મારી જેમ અન્ય લોકો કહી રહ્યા છે કે, અમારું હવે ત્યાં સ્વાગત નહીં થાય.
મહારાણી દ્વારા સન્માનિત
ફરાહે પોતાના ફેસબુક પેજ પર લખ્યું, આ વર્ષે પહેલી જાન્યુઆરીએ બ્રિટનની નામદાર મહારાણીએ મને સન્માનિત કર્યો હતો અને ગત ૨૭ જાન્યુઆરીએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મને એલિયન બનાવી દીધો. હજુ એ સ્પષ્ટ નથી કે, આઠ વર્ષની ઉંમરે બ્રિટન આવનાર ફરાહ અમેરિકા પરત ફરી શકશે કે નહીં.


