લંડનઃ છેલ્લા બે વર્ષથી બ્રિટનવાસીઓ કાળઝાળ મોંઘવારીનો સામનો કરી રહ્યાં છે. પરિવારના ગુજરાન માટે બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે દેશમાં દુકાનોમાંથી ઉઠાંતરી કરવાની ઘટનાઓમાં પણ મોટો વધારો થયો છે. એક સરવેમાં દર 10 યુવા પુખ્તમાંથી એકે કબૂલાત કરી છે કે મોંઘવારીને પહોંચી વળવા માટે તે સુપરમાર્કેટમાંથી ખરીદી દરમિયાન સેલ્ફ ચેકઆઉટ કાઉન્ટર પર કેટલીક ચીજવસ્તુઓની ઉઠાંતરી કરી લે છે.
છેલ્લા ઘણા મહિનાથી ફુગાવાનો દર બે આંકડામાં રહ્યો છે. ખાદ્યપદાર્થો અને નોન આલ્કોહોલિક ડ્રિંક્સની કિંમતોમાં 19.1 ટકાનો સરેરાશ વધારો થતાં પરિવારો મોંઘવારીના ખપ્પરમાં હોમાઇ રહ્યાં છે. કેટલીક વસ્તુઓની કિંમતો તો છેલ્લા એક વર્ષમાં બમણી થઇ ગઇ છે. આયાતી ખાદ્યપદાર્થોની કિંમતમાં લગભગ 25 ટકાનો વધારો નોંધાયો છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બાળકોની દવા કાલપોલ ઉઠાંતરી કરાતી વસ્તુઓમાં મોખરે છે. દૂધ અને ચીઝ જેવી વસ્તુઓમાં સિક્યુરિટી ટેગ લગાવવાની ફરજ પડી રહી છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના આંકડા અનુસાર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં દુકાનોમાંથઈ ઉઠાંતરીની ઘટનાઓમાં 22 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા એક વર્ષમાં 79 લાખ ઉઠાંતરીની ઘટના નોંધાઇ હતી.


