લંડનઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલો મોંઘવારીનો દાનવ બ્રિટિશ પરિવારોના ખિસ્સામાં પણ ભારે સેંધમારી કરી રહ્યો છે. દેશમાં સર્જાયેલી કોસ્ટ ઓફ લિવિંગ કટોકટીએ બ્રિટિશ પરિવારોની ખર્ચ શક્તિને ગ્રહણ લગાડ્યું છે અને આવકમાં પણ તોતિંગ ઘટાડો થયો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)ના આંકડા અનુસાર ફુગાવાના દરના આધારે નક્કી કરાતી આવકમાં વર્ષ 2022ના પ્રથમ 3 મહિનામાં 0.2 ટકાનો ઘટાડો નોંધાયો છે. 1955 પછી પહેલીવાર સતત ચોથા ત્રિમાસિકમાં બ્રિટિશ પરિવારોની આવકમાં ઘટાડો નોંધાયો છે.
એપ્રિલ મહિનામાં બ્રિટિશ નાગરિકોને આવકવેરાની ચૂકવણી કરવી પડશે તે ઉપરાંત એનર્જી બિલમાં થઇ રહેલો તોતિંગ વધારો બ્રિટિશ પરિવારોની આર્થિક સ્થિતિને નાટકીય રીતે બદથી બદતર બનાવી રહી છે. ONSના જણાવ્યા અનુસાર 2022ના પ્રારંભમાં આવકમાં 1.3 ટકાનો ઘટાડો નોંધાઇ ચૂક્યો છે. કૂદકે અને ભૂસકે વધતી મોંઘવારીના કારણે ગયા વર્ષની સરખામણીમાં પ્રતિ પરિવારના ખર્ચમાં 5.5 ટકાનો વધારો થઇ ગયો જે છેલ્લાં 30 વર્ષનો સૌથી મોટો ઉછાળો છે. લોનના વ્યાજદરમાં વધારા, પરિવહન અને ઇંધણના ખર્ચમાં થયેલા વધારાની આ અસરો છે.
ફુગાવાનો દર છેલ્લા 4 દાયકાની ટોચે
બ્રિટનમાં વીજળી, ઇંધણથી માંડીને ખાદ્યપદાર્થો અને કપડાં સહિતની દરેક ચીજવસ્તુના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે જેના પગલે ફુગાવાનો દર છેલ્લા ચાર દાયકાની ટોચની સપાટીએ પહોંચ્યો છે. બ્રિટનનું અર્થતંત્ર મંદીમાં સપડાઇ રહ્યું હોવાની ચેતવણીઓ મધ્યે મોંઘવારીમાં પીસાતી જનતાને સહાયરૂપ પગલાં લેવા વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પર પ્રચંડ દબાણ સર્જાયું છે.
ઔદ્યોગિક ઉત્પાદનમાં ચિંતાજનક ઘટાડો
જાન્યુઆરી 2022થી બ્રિટનના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો નોંધઇ રહ્યો છે. બ્રિટિશ પરિવારોએ તેમની બચતો ખર્ચવા પર કાપ મૂકી દેતાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડને બીજા ત્રિમાસિકમાં પણ ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થવાનો ભય સતાવી રહ્યો છે. કોરોના કાળમાં બ્રિટિશ પરિવારોએ અંદાજિત 200 બિલિયન પાઉન્ડની વધારાની બચત કરી હતી પરંતુ હાલ તેઓ તેમની આવકના કેટલા ટકાનો ખર્ચ કરવા ઇચ્છે છે તેના પર બ્રિટિશ અર્થતંત્રનો દારોમદાર રહેલો છે. ટ્રેઝરીની ચાલુ ખાતાની વધી રહેલી ખાધ વર્ષ 2023 માટે સારા સંકેતો આપી રહી નથી.

