લંડન
કાળઝાળ મોંઘવારીએ બ્રિટનના લોકોને કરકસર કરવાની ફરજ પાડી છે. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસે લોકોની આવકમાં ઘટાડો કર્યો છે અને સંભવિત હોય ત્યાં તમામ ખર્ચમાં કાપ મૂકવા મજબૂર બનાવી દીધાં છે. ઇંધણોની તોતિંગ કિંમતોના કારણે લોકો નિયમિત રીતે બહાર જઇ પબ અને રેસ્ટોરન્ટમાં સમય પસાર કરવાના બદલે ઘરોમાં જ ગોંધાઇ રહેવાનું પસંદ કરી રહ્યાં છે. પબ અને રેસ્ટોરન્ટો પણ ખર્ચ કાઢવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. મોંઘવારી પરિવારના સભ્યો અને મિત્રોની સાથે સમય પસાર કરવાની લોકોની ક્ષમતા પર પણ અસર કરી રહી છે. હાર્ટફોર્ડશાયરમાં રહેતી ડેન્ટલ નર્સ કેરોલિન દર વીકએન્ડમાં પરિવાર અને મિત્રો સાથે સમય ગાળતી હતી, પતિ સાથે દરરોજ પબ અને રેસ્ટોરન્ટમાં જવાનું પસંદ કરતી હતી પરંતુ હવે તેણે બિનજરૂરી આઉટિંગ બંધ કરી દીધું છે. તે મહિનામાં એક જ વાર કેન્ટ જઇને પરિવાર તથા મિત્રોને મળે છે. કેરોલિન એક એક પેની કેવી રીતે બચાવી શકાય તેના પર વિચારતી રહે છે. તે કહે છે કે પરિવાર અને મિત્રો સાથેની મુલાકાત પણ લક્ઝરી બાબત બની રહી છે. જીવનમાં હવે એકલવાયાપણું આવી ગયું છે. ફોન પર વાત કરવી અને વ્યક્તિગત મુલાકાતમાં ઘણો તફાવત છે. જીવનમાંથી જાણે કે આનંદ જ છીનવાઇ ગયો છે.
30 વર્ષીય ફ્રીલાન્સ ઇલસ્ટ્રેટર વિકી હ્યુજિસને લંડનમાં રહેવું પરવડતું નથી તેથી તે પોતાના પાર્ટનર સાથે લીડ્સ ખાતે રહેવા ચાલ્યા ગયા છે. વિકી કહે છે કે મગજમાં જ્યારે કરકસરના જ વિચારો ચાલતા હોય ત્યારે લોકોને મળવું મુશ્કેલ બની જાય છે. કાતિલ શિયાળામાં તો એકલવાયાપણામાં જોરદાર વધારો થવાનો છે. હું અત્યારે સ્વૈચ્છિક મીની લોકડાઉનની માનસિક તૈયારી કરી રહી છું. સપ્તાહમાં કેટલીક વાર મિત્રોને મળવું મને પસંદ છે પરંતુ હવે તે અશક્ય બની રહ્યું છે.
46 વર્ષીય નાતાલી માર્ટિનને સંકોચાઇ રહેલી સોશિયલ લાઇફના કારણે માનસિક આરોગ્ય પર થઇ રહેલી અસરોની ચિંતા છે. તે કહે છે કે સામાજિક રીતે એકલા પડી જવાના કારણે મારા આત્મવિશ્વાસને ગંભીર અસર થઇ છે. અગાઉ પણ હું એકલવાયાપણાના કારણે હતાશામાં સરી પડી હતી. તે સમયે મને ડોક્ટર દ્વારા સલાહ અપાઇ હતી કે મારે સામાજિક રીતે અળગા રહેવું જોઇએ નહીં પરંતુ મારી પાસે તેનો કોઇ વિકલ્પ નથી. વધી રહેલી કિંમતોએ મને ઘરમાં ભરાઇ રહેવા મજબૂર કરી દીધી છે. હું દર સપ્તાહે મારા પિતાને મળવા લીવરપુલ જતી હતી પરંતુ હવે મને ટ્રેનના ભાડાં પોસાતા નથી. મને તો એમ લાગી રહ્યું છે કે મોંઘવારીના કારણે આપણે હજુ લોકડાઉનની સ્થિતિમાં જ રહીએ છીએ.
બર્કશાયરમાં રોયલ મેઇલના કર્મચારી 54 વર્ષીય જ્હોન કહે છે કે સપ્તાહમાં 6 દિવસ કામ કરવાના કારણે સમાજમાં હળવા મળવાનો આમ પણ સમય રહેતો નથી. વધી રહેલી મોંઘવારીને પહોંચી વળવા માટે મને ઓવરટાઇમ કરવાની ફરજ પડી રહી છે.વધી રહેલા એનર્જી બિલ ઓવરટાઇમ માટે મજબૂર કરી રહ્યાં છે. દર સપ્તાહે વધારાના કલાક મેળવવા મારે સંઘર્ષ કરવો પડે છે. સપ્તાહના સરેરાશ 55 કલાક કામ કર્યા પછી પણ હું માંડ માંડ મારા પરિવારનું ગુજરાન ચલાવી શકું છું.
ગ્લાસગોમાં રહેતી 41 વર્ષીય ટ્રાવેલ એજન્ટ સુસાન કહે છે કે મોંઘવારીના કારણે મિત્રોની અવગણના કરવાની ફરજ પડી રહી છે. ઘેર મિત્રોને બોલાવી પિત્ઝા ઓર્ડર કરવાનું હવે પરવડે તેમ નથી. મારે 3 બાળકો છે અને આડાઅવળા શોખ પૂરા કરવા મારી પાસે વધારાની કોઇ આવક નથી. પહેલા તો હું મિત્રો સાથે પબમાં જતી પરંતુ હવે મારી પાસે થોડા કલાકો પબમાં વીતાવવા માટેના નાણા હોતાં નથી. હું બહાના કાઢીને મિત્રોને ટાળી દઉં છું.

