લંડન
કાળઝાળ મોંઘવારીને કારણે બ્રિટનમાં કરી રેસ્ટોરન્ટો શટર પાડી દેવા મજબૂર બની રહ્યાં છે. દેશમાં પ્રતિ દિન એક કરી રેસ્ટોરન્ટ બંધ થવાની કગાર પર પહોંચી રહી છે. હાલ 9000 જેટલી કરી રેસ્ટોરન્ટ અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહી છે. સાઉથ ઇસ્ટ લંડનમાં કરી રેસ્ટોરન્ટના માલિક યાદવ ભંડારી કહે છે કે દરેક વસ્તુની કિંમત વધતાં વાનગીઓની પડતર કિંમત આસમાને પહોંચી છે. વીજળી અને એનર્જી બિલ, મરી-મસાલા, કામદારોના પગારમાં પણ મોટો વધારો થયો છે. બ્રિટનમાં ચિકન ટિક્કા મસાલા ફેવરિટ ડિશ છે પરંતુ હવે ઘણા રેસ્ટોરન્ટ બંધ થઇ રહ્યાં હોવાથી ચિકન ટિક્કા મસાલાની ડિશ પણ જોખમમાં મૂકાઇ છે.
બ્રિટિશ કરી એવોર્ડનો પ્રારંભ કરાયો હતો તે પરિવારના જેફરી અલી કહે છે કે 2007થી અત્યાર સુધીમાં 3000 રેસ્ટોરન્ટ બંધ થઇ ચૂક્યાં છે અને હાલ કાર્યરત એવા 9000 રેસ્ટોરન્ટ ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ ઉદ્યોગને સરકારની સહાયની તાત્કાલિક જરૂર છે. મોંઘવારી જે રીતે વધી રહી છે તે જોતાં રોજની એક રેસ્ટોરન્ટ બંધ થવાની નોબત આવી શકે છે. ડુંગળીની કિંમત છેલ્લા 10 વર્ષમાં બમણી થઇ ગઇ છે. કૂકિંગ ઓઇલની કિંમત 19 પાઉન્ડથી 33 પાઉન્ડ પર પહોંચી છે. વિઝા મર્યાદાના કારણે અમે કુશળ રસોઇયાઓને પણ હાયર કરી શક્તાં નથી.
હેરોમાં કરી રેસ્ટોરન્ટ ધરાવતા સલીમ ચૌધરી કહે છે કે ગેસ બિલ 2500 પાઉન્ડથી વધીને 6900 પાઉન્ડ પ્રતિ માસ પહોંચી ગયું છે. વીજળીનું બિલ 1000 પાઉન્ડથી વધીને 19102 પાઉન્ડ થયું છે. અમારી કુલ ઉત્પાદન કિંમતમાં 30 ટકાનો વધારો થઇ ચૂક્યો છે.


