મોંઘવારીનો ભોજનની થાળી પર દરોડો, ફુગાવો 14.7 ટકાની રેકોર્ડ સપાટી પર

જીવનજરૂરીયાતની વસ્તુઓ મોંઘીદાટ, ટી બેગ્સ, દૂધ અને ખાંડના ભાવ વધતાં ચ્હાના ઘૂંટડા કડવા બન્યાં

Wednesday 09th November 2022 04:47 EST
 
 

લંડન

બ્રિટનમાં ખાદ્યાન્નના ફુગાવાનો દર 14.7 ટકાની રેકોર્ડ સપાટી પર પહોંચી જતાં સરેરાશ પરિવારના ખોરાક પાછળના ખર્ચમાં વાર્ષિક 682 પાઉન્ડનો વધારો થઇ ગયો છે. 27 ટકા પરિવારો કહે છે કે તેઓ આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યાં છે. ખાદ્યપદાર્થઓની વધી રહેલી કિંમતો કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસને વધુ ગંભીર બનાવી રહી છે. ઓક્ટોબર મહિનામાં ખાદ્યાન્ન ફુગાવો 11.6 ટકાની રેકોર્ડ સપાટી પર પહોંચી ગયો હતો. ટી બેગ્સ, દૂધ અને ખાંડના ભાવમાં વધારો થતાં ચ્હાના ઘૂંટડા પણ કડવા લાગી રહ્યાં છે. બ્રિટિશ રિટેલ કોન્સોર્ટિયમ- નિલસેન શોપ પ્રાઇસ ઇન્ડેક્સ અનુસાર ઓવરઓલ શોપ પ્રાઇસ ગયા વર્ષની સરખામણીમાં 6.6 ટકા વધી છે. ખાદ્યાન્ન ફુગાવો સપ્ટેમ્બરમાં 10.6 ટકા હતો જે ઓક્ટોબરમાં એક ટકો વધી ગયો હતો.

તાજા ખાદ્યપદાર્થોની કિંમતોમાં ફુગાવો 13.3 ટકા પર પહોંચ્યો છે જે સપ્ટેમ્બરમાં 12.1 ટકા હતો. નોન ફૂડ ઇન્ફ્લેશન 3.3 ટકાથી વધીને 4.1 ટકા થયો છે. બ્રિટિશ રિટેલ કોન્સોર્ટિયમના વડા હેલેન ડિકિન્સને જણાવ્યું હતું કે, ગ્રાહકો માટે ઓક્ટોબર મહિનો કપરો પૂરવાર થયો છે. વીજળીના બિલમાં વધારાની સાથે સાથે અન્ય તમામ ચીજવસ્તુઓ મોંઘીદાટ બની છે.

કામદારોની અછત અને કોમોડિટી-એનર્જીની કિંમતો વધવાના કારણે ઇનપુટ કોસ્ટમાં વધારો થઇ રહ્યો છે. જેના પગલે બજારોમાં મૂકાતી વસ્તુઓની કિંમતો પણ આસમાને પહોંચી રહી છે. આગામી સમય રિટેલરો અને પરિવારો માટે વધુ કપરો બની શકે છે.

નિલસેનના માઇક વોટકિન્સે જણાવ્યું હતું કે, બાહ્ય પરિબળો શોપ પ્રાઇસ ઇન્ફ્લેશનને રેકોર્ડ સપાટી પર લઇ જઇ રહ્યાં છે. આર્થિક પડકારો ગ્રાહકોના વિશ્વાસ અને ખર્ચ શક્તિ પર અસર કરી રહ્યાં છે.

એક જ આવક ધરાવતા પરિવારો ગરીબાઇમાં ધકેલાઇ રહ્યાં છે

મોંઘવારીના કારણે વધુને વધુ સિંગલ અર્નિંગ પેરેન્ટ ગરીબાઇમાં ધકેલાઇ રહ્યાં છે. બ્રેડફોર્ડના શમીન સિમ્સ કહે છે કે મારે એક દીકરી છે. મારા ઘરભાડામાં 100 પાઉન્ડનો વધારો થઇ ગયો છે. વીજળીનું બિલ લગભગ બમણું થયું છે. ખાવાની ચીજવસ્તુઓના ભાવ આસમાને છે. પરંતુ મારા પગારમાં કોઇ વધારો થયો નથી. આઇએફએસના એક રિસર્ચ અનુસાર એક જ આવક ધરાવતા પરિવારની ગરીબાઇમાં 10 ટકાનો વધારો થયો છે. ઘણા પરિવારોને હવે વેલ્ફેર સપોર્ટના આધારે જીવન વીતાવવાની ફરજ પડી રહી છે.

શાળામાં વિનામૂલ્યે અપાતા ભોજનની માગમાં 200 ટકાનો તોતિંગ વધારો

શાળાઓમાં વિના મૂલ્યે અપાતા ભોજનની માગમાં 200 ટકા જેટલો તોતિંગ વધારો થયો છે. માતાપિતા બાળકોના ટ્રાન્સપોર્ટેશન પાછળ પણ નાણા ખર્ચી શક્તા નથી. તેથી શિક્ષકો આવા બાળકોને જાતે પોતાની સાથે લઇને આવે છે. ક્લાસરૂમોમાં જ ફૂડ બેન્ક ચલાવવાની ફરજ પડી છે. બેરોજગાર વાલીઓ માટે જોબ ક્લબ પણ શરૂ કરવામાં આવી રહી છે. ગરીબીમાં ધકેલાઇ રહેલા પરિવારો માટે શાળાઓ હવે ક્રાઇસિસ સેન્ટર બની રહી છે. તેના કારણે શાળાઓ પણ ભંડોળની અછત અનુભવવા લાગી છે.

મોંઘવારીના પગલે 10 લાખ કરતાં વધુ વૃદ્ધો સારવાર અને ભોજનથી વંચિત

દેશમાં વધી રહેલી મોંઘવારી સૌથી વધુ વૃદ્ધો પર અસર કરી રહી છે. 10 લાખ કરતાં પણ વધુ વૃદ્ધોને તેમની સોશિયલ કેર પડતી મૂકવાની ફરજ પડી રહી છે. 16 લાખ જેટલા વૃદ્ધો આગામી મહિનાઓમાં પોતાની પાછળ થતા ખર્ચમાં કાપ મૂકે તેવી સંભાવના છે. 36 લાખ વૃદ્ધોએ તેમની દવાઓ, વિશેષ પ્રકારના ભોજન પાછળના ખર્ચને અટકાવી દીધો છે. 25 લાખ વૃદ્ધો એક સમયનું ભોજન ત્યાગી રહ્યાં છે. કાઉન્સિલો સમક્ષ કરાતી મદદની અપીલોમાંથી દર સપ્તાહે 14000ની અરજીઓ નકારીકાઢવામાં આવી રહી છે. 40 ટકા લોકોનું માનવું છે કે ઇંગ્લેન્ડમાં સોશિયલ કેર સારી રીતે કામ કરી રહી નથી અથવા તો તેનું કોઇ અસ્તિત્વ ન હોય તેમ લાગી રહ્યું છે. કેરોલિન અબ્રાહમ કહે છે કે જરૂરી કાળજી લેવામાં નહીં આવે તો તો વૃદ્ધો કુપોષણનો શિકાર બની શકે છે. દવાઓના અભાવે તેઓ ગંભીર રીતે બીમાર પડી શકે છે. ઇંગ્લેન્ડનું સોશિયલ કેર સેક્ટર બદતર હાલતમાં પહોંચી ગયું છે. સરકાર કહે છે કે અમે 80 લાખ લોકોને વધારાની 1200 પાઉન્ડની સહાય આપી રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter