લંડન
બ્રિટન એકતરફ ચાર દાયકાના સૌથી દારૂણ દુકાળ તરફ ધસી રહ્યો છે તો બીજીતરફ કાળઝાળ મોંઘવારી લોકોને ભૂખમરા તરફ ધકેલી રહી છે. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસના કારણે નવા લોકો ભૂખમરાના સકંજામાં સપડાતાં ખોરાક પૂરો પાડતી ફૂડ બેન્કો તરફ ધસારો વધી જતાં હવે ફૂડ બેન્કોમાં પણ ખોરાકની અછત વર્તાવા લાગી છે. બ્રિટનમાં 550 ગ્રુપનું નેટવર્ક ધરાવતા ઇન્ડિપેન્ડન્ટ ફૂડ એઇલ નેટવર્કે જણાવ્યું છે કે ફૂડ બેન્ક પાસેથી સહાય માગનારાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાથી વ્યવસ્થા ખોરવાઇ રહી છે. ફૂડ બેન્કો પાસે ખોરાકનો જથ્થો ખૂટવા લાગ્યો છે. ફૂડ બેન્કોના ઘણા મેનેજરો કહે છે કે અમારી પાસે ખોરાકનો જથ્થો ખૂટી પડ્યો છે. તેથી અમે હવે પાર્સલની સાઇઝમાં ઘટાડો શરૂ કર્યો છે. લોકોને પુરતી મદદ કરી શકાય તે માટે અમે સંખ્યામાં ઘટાડો કરવાની વિચારણા કરી રહ્યાં છીએ.
1300 કરતાં વધુ ફૂડ બેન્ક ધરાવતા ટ્રસેલ ટ્રસ્ટે જણાવ્યું હતું કે, માગમાં વધારો થવાના કારણે અમારા ઘણા આઉટલેટ્સ પર ખોરાકની અછત વર્તાઇ રહી છે. સંગઠને સરકારને તાકિદે કલ્યાણ ચૂકવણીઓ વધારવા અપીલ કરી છે જેથી વધુ લોકોને જીવનજરૂરી વસ્તુઓ પૂરી પાડી શકાય. આગામી શિયાળામાં અંધાધૂંધી નિવારવા ઓછી આવક ધરાવતા પરિવારોને તાકિદની સહાય બમણી કરી દેવા 70 જેટલી સખાવતી સંસ્થાઓએ પીએમ પદની રેસમા ઉતરેલા રિશિ સુનાક અને લિઝ ટ્રસને વિનંતી કરી છે. લેબર પાર્ટીના નેતાઓ એનર્જી પ્રાઇસ કેપ સ્થગિત કરવાની માગ કરી રહ્યાં છે. ડ્યૂસબરી ફૂડબેન્કના મેનેજર તનિશા બ્રામવેલ કહે છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં માગમાં પુષ્કળ વધારો થવાના કારણે અમારી પાસેનો જથ્થો ખૂટી પડ્યો છે. અમારી પાસે નાણાની પણ અછત વર્તાઇ રહી છે. અમારી પાસે લોકોને મદદ કરવા માટે હવે કશું બચ્યું નથી. અમારે ઘણા દિવસો સુધી લોકોને પાર્સલ આપવાનું બંધ કરવું પડ્યું હતું. લોકોને ખાલી હાથે પાછા મોકલતા અમને ઘણું દુઃખ થાય છે કારણ કે અમે તેમની છેલ્લી આશા હોઇએ છીએ. સ્થાનિક સખાવતી સંસ્થાઓ ફૂડ બેન્કોને પૂરવઠો ખરીદવા માટે આર્થિક સહાય કરી રહી છે પરંતુ આ સહાય પણ ટૂંકાગાળાની પૂરવાર થઇ રહી છે. માગને પહોંચી વળવા ફૂડ બેન્કો પુરતો ખોરાક અને આર્થિક સહાય મેળવવામાં સંઘર્ષ કરી રહી છે.
ઓગસ્ટ 2021માં ફૂડ બેન્કો પાસેથી દર સપ્તાહે સહાય લેવા આવતા પરિવારોની સંખ્યા 50થી 60ની રહેતી હતી પરંતુ આ ઓગસ્ટમાં દર સપ્તાહે 120થી 150 પરિવારો મદદ લેવા પહોંચી રહ્યાં છે. એનર્જી બિલોમાં થઇ રહેલા તોતિંગ વધારાના કારણે લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યાં છે. તેમણે આશા પણ ગુમાવી દીધી છે. ફુગાવો વધવાના કારણે લાખો પરિવારો ખોરાક, ગેસ અને વીજળીની કિંમતોમાં થઇ રહેલા વધારા સામે સંઘર્ષ કરી રહ્યાં છે. ઓક્ટોબરમાં એનર્જી પ્રાઇસ કેપમાં વધારો થવાની સાથે સ્થિતિ વધુ બદતર બનવાની સંભાવના છે.


