મોંઘવારીમાં પીસાતા 80 લાખ ગરીબ બ્રિટિશ પરિવારોને 650 પાઉન્ડ સહાયની જાહેરાત

326 પાઉન્ડનો પહેલો હપ્તો જુલાઇના અંત સુધીમાં બેન્ક ખાતામાં સીધો જમા કરાવી દેવાશે

Wednesday 20th July 2022 06:20 EDT
 
 

લંડન

કાળઝાળ મોંઘવારીનો સામનો કરી રહેલા બ્રિટનના 80 લાખ લોકોને સરકારે રાહત આપવા 326 પાઉન્ડની સહાય આપવાનું શરૂ કર્યું છે. ઓછી આવક ધરાવતા પરિવારોના બેન્ક, બિલ્ડિંગ  સોસાયટી અથવાતો ક્રોડિટ યુનિયન ખાતાઓમાં આ રકમ સીધી જમા કરાવાશે. સરકારે જણાવ્યું છે કે આ સહાય ડીડબલ્યૂપી કોસ્ટ ઓફ લિવિંગ તરીકે ઓળખાશે. જુલાઇ મહિનાના અંત સુધીમાં 80 લાખ લોકોના બેન્ક ખાતામાં આ રકમ જમા કરાવી દેવાશે. 324 પાઉન્ડની સહાય બીજા હપ્તામાં પાનખરમાં જમા કરાવાશે.

બ્રિટનમાં ચીજવસ્તુઓના વધેલા ભાવ અને વીજળીના બિલમાં થયેલા તોતિંગ વધારાના પગલે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ઓછી આવક ધરાવતા પરિવારોને સરકાર દ્વારા અપાઇ રહેલું આ સૌથી મોટું સહાય પેકેજ છે. મદદ મેળવનારા લોકો આ નાણાને ખર્ચ અથવા તો બચત કરી શકે છે.

વર્ક એન્ડ પેન્શન ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે જુલાઇ મહિનાના અંત સુધીમાં પહેલો હપ્તો બેન્ક ખાતાઓમાં સીધો જમા કરાવી દેવાની કામગીરી કરી રહ્યાં છીએ. આ કેટેગરીમાં આવતા તમામ પરિવારોના ખાતામાં આ રકમ આપોઆપ જમા થઇ જશે. કોઇ પરિવારને તેમાંથી બાકાત રખાશે નહીં. જે લોકો આ કેટેગરીમાં આવતા નહોતા પરંતુ અપીલ કર્યા બાદ જેમને આ કેટેગરીમાં સમાવાયા છે તેવા પરિવારોને આ સહાય જુલાઇ મહિના પછી જેમ બને તેમ ઝડપથી ચૂકવવામાં આવશે.

દેશના આર્થિક નિષ્ણાતો કહે છે કે આ સહાયથી ઓછી આવક ધરાવતા પરિવારોને મોંઘવારીમાંથી મુક્તિ તો નહીં મળે પરંતુ થોડી રાહત જરૂર મળી રહેશે. ઓછી આવક ધરાવતા પરિવારો માટે આ સાચી દિશામાં પગલું છે પરંતુ એવા પણ લાખો લોકો છે જેઓ આ કેટેગરીના સીમાડા સુધી પહોંચી ગયા છે પરંતુ તેમાં સામેલ થઇ શક્તા નથી.

--------------------------------------------------------------

ઓક્ટોબર મહિનાથી દરેક ઘરને વીજળી બિલમાં 400 પાઉન્ડનું વળતર

બ્રિટનમાં વીજળી બિલ પણ માઝા મૂકી રહ્યા છે ત્યારે શિયાળામાં વીજળીના બિલ ટોચ પર પહોંચવાની ભીતિ સેવાઇ રહી હતી. આવી સ્થિતિમાં લોકોને રાહત આપવા માટે સરકારે દરેક પરિવારને ઓક્ટોબર મહિનાથી વીજળીના બિલમાં 400 પાઉન્ડ સુધીનું વળતર આપવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત પેન્શનરો અને વિકલાંગોને 300 પાઉન્ડની સહાય અપાશે.

-----------------------------------------------------------

કોસ્ટ ઓફ લિવિંગ સહાય

650 પાઉન્ડ – 80 લાખ ઓછી આવક ધરાવતા પરિવાર

300 પાઉન્ડ – 80 લાખ પેન્શનર પરિવાર

150 પાઉન્ડ – 60 લાખ વિકલાંગોને

400 પાઉન્ડ – વીજળી બિલમાં દરેક પરિવારને રાહત

---------------------------------------------------------

આ પૈકીના એક લાભ મેળવનારને 650 પાઉન્ડની રાહત અપાશે

-     યુનિવર્સિલ ક્રેડિટ

-     ઇનકમ બેઝ્ડ જોબસીકર એલાવન્સ

-     ઇનકમ રિલેટેડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સપોર્ટ એલાવન્સ

-     ઇનકમ સપોર્ટ

-     પેન્શન ક્રેડિટ

-     ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ

-     વર્કિંગ ટેક્સ ક્રેડિટ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter