મોંઘવારીમાં રાહત માટે નવું કોસ્ટ ઓફ લિવિંગ પેકેજ જાહેર

ઉનાળા દરમિયાન પ્રવાસન સ્થળો અને આકર્ષણો પરના વેટમાં કામચલાઉ ઘટાડો

Tuesday 26th May 2026 11:19 EDT
 
 

લંડનઃ ચાન્સેલર રેચલ રીવ્ઝે  પરિવારોને મોંઘવારીમાં રાહત આપવા માટે એક નવું કોસ્ટ-ઓફ-લિવિંગ પેકેજ જાહેર કર્યું છે, જેમાં ઉનાળા દરમિયાન પ્રવાસન સ્થળો અને આકર્ષણો પરના વેલ્યુ એડેડ ટેક્સમાં કામચલાઉ ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રેટ બ્રિટિશ સમર સેવિંગ્સ અભિયાન અંતર્ગત ઉનાળાના મહિનાઓમાં પસંદગીના પ્રવાસન સ્થળો પરનો વેટ 20 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે. તે ઉપરાંત  ઇંધણ ડ્યુટી ફ્રીઝની મુદત લંબાવવી, ઓગસ્ટ મહિનામાં ઇંગ્લેન્ડમાં બાળકો માટે મફત બસ મુસાફરી અને વેકેશનની સીઝન પહેલાં જેટ ઇંધણના પુરવઠાને સુરક્ષિત કરવાના પગલાં સામેલ છે. બીજી તરફ આગામી શિયાળાને ધ્યાનમાં રાખીને ચાન્સેલરે એનર્જી બિલ માટે કોઈ નવી વ્યાપક રાહત યોજનાની જાહેરાત કરી નથી.

ઓગસ્ટમાં સમગ્ર ઇંગ્લેન્ડમાં બાળકો બસમાં મફત મુસાફરી કરી શકશે

ચાન્સેલર રેચલ રીવ્ઝે કરેલી જાહેરાત અનુસાર 5 થી 15 વર્ષની વયના તમામ બાળકો 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ઇંગ્લેન્ડમાં સ્થાનિક બસ સેવાઓનો વિનામૂલ્યે લાભ લઈ શકશે. શાળાના વેકેશન દરમિયાન પરિવારોના બજેટ પરનું ભારણ ઓછું કરવા માટે શરૂ કરાયેલા ગ્રેટ બ્રિટિશ સમર સેવિંગ્સ પેકેજના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે. સત્તાવાળાઓના અંદાજ મુજબ આ યોજના પાછળ 100 મિલિયન પાઉન્ડથી વધુનો ખર્ચ થશે.ટ્રાન્સપોર્ટ સેક્રેટરી હેઈડી એલેક્ઝાન્ડરે જણાવ્યું હતું કે, આ નિર્ણયથી પરિવારો ટ્રાન્સપોર્ટના ખર્ચની ચિંતા કર્યા વિના શાળાના વેકેશન દરમિયાન બહાર હરવા-ફરવાનો, સગા-સંબંધીઓને મળવાનો અને સ્થાનિક વિસ્તારોની મુલાકાત લેવાનો આનંદ માણી શકશે. જો કે આ યોજના માત્ર ઇંગ્લેન્ડના સ્થાનિક બસ ઓપરેટરો પૂરતી જ મર્યાદિત રહેશે અને તેમાં લાંબા અંતરની કોચ સેવાઓ કે રેલ મુસાફરીનો સમાવેશ થશે નહીં.

સાયકલ વાપરતા કર્મચારીઓ માટે 20 પેન્સ પ્રતિ માઇલ નિયમની જાહેરાત

ચાન્સેલર રેચલ રીવ્ઝે કામકાજના સ્થળે જવા માટે સાયકલનો ઉપયોગ કરતા કર્મચારીઓ માટે પ્રતિ માઈલ 20 પેન્સના નિયમની જાહેરાત કરી છે. ગ્રેટ બ્રિટિશ સમર સેવિંગ્સ સ્કીમ અંતર્ગત માઈલેજના નવા દરોની જાહેરાત કરાઇ છે. નવા નિયમો અનુસાર તમારે કામના અર્થે કારનો ઉપયોગ કરવો પડે તેમ હોય તો હવે તમે ચાલુ ટેક્સ વર્ષ દરમિયાન પ્રથમ 10,000 માઈલની મુસાફરી પર પ્રતિ માઈલ 55 પેન્સના દરે ટેક્સ રિલીફનો દાવો કરી શકશો. અગાઉ આ દર પ્રતિ માઈલ 45 પેન્સ હતો, જેમાં હવે 10 પેન્સનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ, સાયકલ માટેના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 10,000 માઈલથી ઓછી કે તેથી વધુ મુસાફરી કરનારા તમામ સાયકલ ચાલકો માટે આ દર પ્રતિ માઈલ 20 પેન્સ પર જ યથાવત રાખવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter