મોંઘીદાટ ક્રિસમસ – 33 ટકાનો ચેરિટી સ્ટોર્સમાંથી ખરીદી કરવાનો નિર્ણય

ગિફ્ટ, કપડાં, ભોજન અને પાર્ટીઓના ખર્ચમાં કાપ મૂકવા પરિવારો મજબૂર

Wednesday 14th December 2022 05:23 EST
 
 

લંડન

ક્રિસમસના તહેવારની સીઝન આવી ગઇ છે પરંતુ મોટી સંખ્યામાં પરિવારો કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ સામે સંઘર્ષ કરી રહ્યાં છે. એક સરવેમાં 33 ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેઓ ચેરિટી રિટેલર્સ પાસેથી ક્રિસમસની ખરીદી કરવાની તૈયારી કરી રહ્યાં છે. સેન્સસવાઇડ દ્વારા કરાયેલા સરવેમાં જણાવવામાં આવ્યું હતું કે, 16થી 24 વર્ષના 46 ટકા લોકો અને 55 વર્ષથી વધુના બાવીસ ટકા  લોકો ક્રિસમસમાં ચેરિટી શોપ્સમાંથી ખરીદી કરશે. ક્રિસમસ ગિફ્ટની ખરીદી કરવામાં પણ લોકો કરકસર કરી રહ્યાં છે. 26 ટકાએ જણાવ્યું હતું કે, અમે ગિફ્ટમાં સેકન્ડ હેન્ડ બુક્સની ખરીદી કરીશું જ્યારે 20 ટકાએ રમકડાં અને 17 ટકાએ કપડાં ગિફ્ટમાં આપશે તેમ જણાવ્યું હતું. 37 ટકા લોકોએ જણાવ્યું હતું કે, આ વખતે અમે ચેરિટી રિટેલર્સ પાસેથી ક્રિસમસ ગિફ્ટની ખરીદી કરીશું જેથી તે રકમ જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચી શકે. 34 ટકાએ જણાવ્યું હતું કે, અમે નાણાની બચત થાય તે માટે ચેરિટી રિટેલર્સ પાસેથી ખરીદી કરીશું. 22 ટકાએ જણાવ્યું હતું કે, અદ્દભૂત કિંમતે ખરીદી કરવાની મળી જાય તે માટે અમે ચેરિટી રિટેર્સ પાસેથી સામાન ખરીદીશું.

કાળઝાળ મોંઘવારીના કારણે યુકેના ગ્રાહકો ક્રિસમસના બજેટ પર કાતર ફેરવી રહ્યાં છે. જોકે ડ્યુશ બેન્કે દાવો કર્યો છે કે ગ્રાહકોએ ક્રિસમસની ખરીદી વહેલી શરૂ કરી દીધી છે. બેન્કે જણાવ્યું હતું કે, ગ્રાહકો બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળી રહ્યાં છે. ગિફ્ટની સંખ્યામાં પણ કાપ મૂકી રહ્યાં છે અને બજેટ સાચવવા માટે સસ્તી દુકાનો તરફ વળી રહ્યાં છે.

જેપી મોર્ગન ચેઝ દ્વારા તાજેતરમાં કરાયેલા સરવે અનુસાર બ્રિટનના ગ્રાહકો ખર્ચમાં કાપ મૂકી રહ્યાં છે. તેઓ કપડાં ખરીદવાનું ટાળી રહ્યાં છે અને જરૂરી હોય તેટલી જ ગિફ્ટની ખરીદી કરી રહ્યાં છે. તેઓ ભોજનમાં પણ કરકસર કરી રહ્યાં છે. પાર્ટીઓ યોજવાનું હાલ તેઓ વિચારી રહ્યાં નથી.

જોકે નીલસેનઆઇક્યુ સરવેમાં 63 ટકા પરિવારોએ જણાવ્યું હતું કે, અમે ક્રિસમસમાં ગયા વર્ષ જેટલો જ ખર્ચ કરીશું. ફક્ત 27 ટકાએ જણાવ્યું હતું કે, અમે ખર્ચમાં કાપ મૂકી રહ્યાં છીએ. મોટાભાગના પરિવારો સામાન્ય પરંપરાઓ સ્થગિત કરવા ઇચ્છતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter