લંડનઃ બ્રિટનમાં બાળકો પરિવારની સાથોસાથ બ્રિટિશ કરદાતાઓ માટે પણ બોજો ઉભો કરી રહ્યાં છે. નવ અથવા તેથી વધુ બાળક ધરાવતા ૬૫૦ પરિવારને દર વર્ષે ૧૦,૦૦૦ પાઉન્ડ હાઉસિંગ બેનિફિટ તરીકે ચૂકવવામાં આવે છે. ગયા વર્ષે નવ બાળક સાથેના ૪૪૭ પરિવારને ચાર મિલિયન અને દસ બાળકોવાળા પરિવારને બે મિલિયન પાઉન્ડ મળીને કુલ ૬ મિલિયન પાઉન્ડની રકમ ટેક્સપેયરોના ખિસ્સામાંથી ચૂકવાઈ હતી. ડિપાર્ટમેન્ટ ફોર વર્કસ એન્ડ પેન્શનની માહિતી મુજબ ૨૦૧૨માં આવા પરિવારની સંખ્યા ૫૫૦ હતી, જે ૨૦૧૫માં વધી ૬૫૦ થઈ હતી.
લંડનના બ્રેન્ટ સેન્ટ્રલના રહીશોને ભાડામાં મદદ પેટે સૌથી વધુ ૨૧૪ મિલિયન પાઉન્ડ મળે છે, જ્યારે પાટનગરના અન્ય ૨૧ સંસદીય મતવિસ્તારોમાં રહેતા લોકોને ૧૦૦ મિલિયન પાઉન્ડથી વધુ રકમ ચૂકવાય છે. સરેરાશ માસિક ખર્ચ ૭૬૯ પાઉન્ડ આવે છે અને હાઉસિંગનું વાર્ષિક બિલ ૨૪ મિલિયન થાય છે.
સૌથી જાણીતા મોટા પરિવારોમાં લેંકેશાયરમાં રહેતા ૧૨ બાળકો ધરાવતા પ્રુધામ્સ- Prudhams ફેમિલીનો સમાવેશ થાય છે. તેમને દર વર્ષે ૪૦,૦૦૦ પાઉન્ડ બેનિફિટ સ્વરૂપે મળે છે. એસેક્સના કોલ્ચેસ્ટરમાં આઠ બાળકો સાથે રહેતા બેરોજગાર લી અને કેટરિના પાર્કરે જણાવ્યું હતું કે બેનિફિટની રકમ અપૂરતી મળતી હોવાથી તેઓ યોગ્ય મકાન શોધી શક્યા નહોતા.
ટેક્સ પેયર્સ એલાયન્સના કેમ્પેઈન મેનેજર હેરી ડેવિસે જણાવ્યું હતું કે સરકાર કોઈ વ્યક્તિને કેટલાં બાળકો રાખવા તે માટે ફરજ પાડી શકે નહીં, પરંતુ અન્ય લોકોને લાભ પહોંચાડવા માટે ટેક્સપેયરોને તકલીફ વેઠવી પડે તે યોગ્ય નથી.
મકાનમાલિકો હલકી ગુણવત્તાના અને જોખમી મકાનો આપીને લાખો પાઉન્ડના હાઉસિંગ બેનિફિટ મેળવવા કાયદાની છટકબારીનો ઉપયોગ કરતા હોવાનું પણ એક ચેનલની તપાસમાં જાણવા મળ્યું હતું.
પરિવારો અને હાઉસિંગ બેનિફિટ્સ
બાળકોની સંખ્યા કુલ પરિવાર યુકે પર બોજો (£)
પાંચ ૩૧,૯૨૧ ૨૧૪ મિલિયન
છ ૯,૯૩૬ ૭૦ મિલિયન
સાત ૩,૧૪૭ ૨૫ મિલિયન
આઠ ૧,૧૮૮ ૧૧ મિલિયન
નવ ૪૪૭ ૪ મિલિયન
૧૦ કે વધુ ૨૦૩ ૨ મિલિયન


