મોટા ભાગના બ્રિટિશરો પરદેશી વિદ્યાર્થીઓને ઈમિગ્રન્ટ માનતા નથી

Monday 17th October 2016 12:28 EDT
 
 

લંડનઃ બહુમતી બ્રિટિશ જનતા વિદેશી વિદ્યાર્થીઓને ઈમિગ્રન્ટ્સ ગણાવતી નથી. યુનિવર્સિટીઝ યુકે માટે કરાયેલા સર્વેના તારણો અનુસાર ૨૫ ટકાથી ઓછી જ પુખ્ત વ્યક્તિઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઈમિગ્રન્ટ્સ માને છે. બે તૃતીઆંશ લોકો માને છે કે દરિયાપારના વિદ્યાર્થીઓ સ્થાનિક અર્થતંત્ર માટે સકારાત્મક હોય છે. આ સર્વેમાં ૨,૦૧૮ પુખ્ત બ્રિટિશ નાગરિકોને આવરી લેવાયા હતાં.

સર્વેના તારણો જણાવે છે કે ૨૪ ટકા લોકો આ દેશમાં અભ્યાસ માટે આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને, જ્યારે ૨૩ ટકા લોકો ઈયુ વિદ્યાર્થીઓને ઈમિગ્રન્ટ્સ માને છે. બ્રિટનમાં અભ્યાસ કરવા આવતા લોકોને માઈગ્રેશનના સત્તાવાર આંકડામાંથી દૂર કરી શકાય કે કેમ તેવો પ્રશ્ન અવારનવાર ઉઠી રહ્યો છે ત્યારે ઓવરસીઝ સ્ટુડન્ટ્સ લેવા અંગે યુનિવર્સિટીઓ પર નવા અંકુશો આવી શકે તેવા માહોલ વચ્ચે આ સર્વે કરવામાં આવ્યો હતો.

સર્વેમાં ૧૮ ટકાએ બ્રિટનમાં વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આવે તેની તરફેણ કરી હતી, જ્યારે ૪૪ ટકાએ વર્તમાન આંકડો સ્થિર રાખવાની અને ૨૧ ટકાએ ઘટાડાની તરફેણ કરી હતી. બે તૃતીઆંશ લોકોએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જે શહેરો કે નગરોમાં અભ્યાસ કરતા હોય ત્યાંના અર્થતંત્રો પર સકારાત્મક અસર છોડે છે, ૫૯ ટકા લોકો એ બાબતે સંમત થયા હતા કે તેમના આર્થિક પ્રદાનથી નોકરીઓનાં સર્જનમાં મદદ મળે છે.

સર્વેમાં ૧૦માંથી સાત લોકોએ એવો મત દર્શાવ્યો હતો કે પરદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા પછી તત્કાળ પોતાના દેશમાં જતાં રહે તેના બદલે યુકેમાં થોડો સમય કામ કરી અર્થતંત્રને પોતાના કૌશલ્યનો લાભ આપે તે વધારે સારું ગણાશે. બીજી તરફ, ૪૭ ટકા લોકોએ જણાવ્યું હતું કે પરદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા પછી નોકરી કરી અર્થતંત્રમાં ફાળો આપતા હોય તો તેઓ યુકેમાં કેટલો સમય રહે અને કામ કરે તેના પર કોઈ મર્યાદા હોવી ન જોઈએ. યુકેમાં અભ્યાસ માટે લાંબા ગાળાના ઈમિગ્રેશનનો અંદાજ૨૦૧૬ના માર્ચનાં અંત સુધીના વર્ષ માટે કુલ ૧૬૪,૦૦૦ નો હતો, જે ૨૦૦૭ પછી સૌથી નીચા સ્તરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter