મોડર્ન સ્લેવરી એક્ટ ગેરકાયદેસર વિદેશીઓને દેશનિકાલથી બચાવતો હોવાનો આરોપ

સરકાર મોડર્ન સ્લેવરી એક્ટની જોગવાઇઓ આકરી બનાવે – ક્રિસ ફિલિપ

Wednesday 24th August 2022 05:53 EDT
 

લંડન

એક પૂર્વ ઇમિગ્રેશન મિનિસ્ટરે આરોપ મૂક્યો છે કે થેરેસા મે દ્વારા ઘડાયેલો મોડર્ન સ્લેવરી લો ગેરકાયદેસર વિદેશીઓને દેશનિકાલથી બચાવવાનું સૌથી મોટું છીંડુ બની રહ્યો છે. પૂર્વ ઇમિગ્રેશન મંત્રી ક્રિસ ફિલિપે જણાવ્યું હતું કે, વર્ષ 2015માં લાગુ કરાયેલો આ કાયદાનો માનવ અધિકાર વકીલો દ્વારા દુરુપયોગ કરાય છે અને તેની મદદ વડે ગેરકાયદેસર વિદેશીઓ, વિદેશી હત્યારા અને બળાત્કારીઓ બ્રિટનમાં રહી જાય છે. 2019થી 2021 વચ્ચે મંત્રી રહેલા ક્રિસ ફિલિપે જણાવ્યું હતું કે, મારા કાર્યકાળમાં મેં જોયું હતું કે, વકીલો સાથે વાત કર્યા પછી પોતાની આપવીતી બદલી નાખવા માટે ચેનલ માઇગ્રન્ટ્સ ગુલામીનો શિકાર થયા હોવાનો ઇનકાર કરે છે. સરકારે આ કાયદો વધુ કડક બનાવવાની જરૂર છે કારણ કે તેમાં ગુલામીના પુરાવાનું સ્તર અત્યંત નબળું છે અને તેમાં કોઇ સપોર્ટિંગ પુરાવા આપવા પડતા નથી. આ સમસ્યા આધુનિક ગુલામી સામે લડવા કાઉન્સિલ ઓફ યુરોપમાં બ્રિટને અપનાવેલા વલણના કારણે સર્જાઇ છે. ફ્રાન્સ અને જર્મનીએ ગુલામીના દાવાઓની કડક વ્યાખ્યા લાગુ કરી છે જ્યારે બ્રિટને હળવું વલણ અપનાવતા યુરોપના અન્ય દેશો કરતાં આપણે ત્યાં 10 ગણા દાવા આવી રહ્યાં છે.

બીજીતરફ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે સંકેત આપ્યો છે કે અમે નબળા પુરાવાની જોગવાઇ હટાવીશું, દાવાઓની સંખ્યા પર મર્યાદા લાદીશું અને સાચા પીડિતોને લાભ મળે તેવો પ્રયાસ કરીશું. મોડર્ન સ્લેવરી એક્ટ થેરેસા મેના હોમ સેક્રેટરી તરીકેના કાર્યકાળમાં લાગુ કરાયો હતો જેથી આધુનિક ગુલામીમાં સપડાયેલા લોકોને સંરક્ષણ આપી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter