મોદી પરની દસ્તાવેજી ફિલ્મના વિરોધમાં બીબીસી સામે સમગ્ર બ્રિટનમાં ભારતીય સમુદાયના દેખાવો

મોદી અને ભારતને બદનામ કરવા બીબીસી દ્વારા એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે - દેખાવકારો

Wednesday 01st February 2023 05:35 EST
 
 

લંડન

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આધારિત બીબીસીની દસ્તાવેજી ફિલ્મના વિરોધમાં રવિવારે બ્રિટનમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો દ્વારા બીબીસીના લંડન સ્થિત મુખ્યમથક અને અન્ય પ્રાદેશિક કચેરીઓ ખાતે વિરોધ પ્રદર્શન કરાયાં હતાં. ભારત સરકારે બીબીસીની આ દસ્તાવેજી ફિલ્મના પ્રદર્શન પર રોક લગાવી છે.

દેખાવકારોએ બીબીસીને આ દસ્તાવેજી ફિલ્મનું પ્રસારણ અટકાવી દેવાની અપીલ કરી હતી. દેખાવકારોએ હાથમાં બોયકોટ બીબીસી, બ્રિટિશ બાયસ કોર્પોરેશન અને બીબીસી યુ ડોન્ટ ડિઝર્વ પબ્લિક મની જેવા પ્લે કાર્ડ સાથે દેખાવો કર્યા હતા. ભારતીય સમુદાયના લોકોએ તિરંગા લહેરાવીને ભારત માતા કી જય અને શેમ ઓન બીબીસી જેવા નારા લગાવ્યા હતા.

કન્સ્ટ્રક્શન કંપનીનું સંચાલન કરતા વંદના શર્માએ જણાવ્યું હતું કે, બીબીસીની દસ્તાવેજી ફિલ્મ દ્વારા જુઠ્ઠા પ્રોપેગેન્ડાના આધારે ભારતીય વડાપ્રધાન વિરુદ્ધ જુઠ્ઠાણા ફેલાવવામાં આવી રહ્યાં છે. બીબીસીએ તેના દ્વારા કરાયેલા ઇન્ટર્વ્યુમાં કાપકૂપ કરીને તેના પ્રોપેગેન્ડા સાથે મેળ ખાય તેટલા જ હિસ્સા દર્શાવવામાં આવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, બીબીસીએ ભારતમાં ખોટો પ્રચાર કરીને હિન્દુ અને મુસ્લિમ વચ્ચે હિંસા ભડકાવવાનો પ્રયાસ કર્યો છે. ભારતની સુપ્રીમ કોર્ટને સવાલ કરનારા તેઓ કોણ છે. હું બીબીસીનો બહિષ્કાર કરું છું. અત્યારે આ મુદ્દા શા માટે ઉઠાવવામાં આવી રહ્યાં છે. 2024માં પીએમ મોદીને વિજયી થતા અટકાવવા ઘણી શક્તિઓ કામ કરી રહી છે પરંતુ નરેન્દ્ર મોદી જ વિજેતા થશે.

આઇટી કન્સલ્ટન્ટ વિશ્વા સિંહે જણાવ્યું હતું કે, બીબીસીનો ઇરાદો શું છે. ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત રમખાણોની વ્યાપક તપાસ કરાઇ હતી અને કોઇ મામલામાં પીએમ મોદી દોષી જણાયા નથી. બીબીસીને અન્ય દેશના મામલાઓમાં હસ્તક્ષેપ કરવાનો કોઇ અધિકાર નથી. શા માટે બીબીસી યુકેમાં બેફામ બનેલી અપરાધિક ગેંગોની તપાસ કરી રહી નથી. બ્રિટિશ સામ્રાજ્યવાદ દ્વારા કરાયેલા અત્યાચારો પર બીબીસીએ ક્યારેય દસ્તાવેજી ફિલ્મ બનાવી છે ખરી..

પ્રદીપ રાજપૂતે જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓના અપહરણ પર બીબીસી કેમ કોઇ અહેવાલ પ્રસારિત કરતી નથી. બીબીસીની દસ્તાવેજી ફિલ્મમાં રમખાણોના મૂળ અંગે કોઇ વાત કરવામાં આવી નથી. યશ નૂકાએ જણાવ્યું હતું કે બીબીસીએ ગોધરા ટ્રેન કાંડમાં માર્યા ગયેલા હિન્દુઓના કોઇ પરિવાર સાથે વાત કરી નથી.

સોફ્ટવેર એન્જિનિયર રાજ અગ્રવાલે જણાવ્યું હતું કે, બીબીસીનો એજન્ડા ઇસ્લામ તરફી અને ભારત તથા હિન્દુ વિરોધી છે. બીબીસી બીજું પાસુ દર્શાવતી જ નથી. મોદી અને ભારતને બદનામ કરવા બીબીસી દ્વારા એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter