મોદી સાથે વેપાર કરાર મુદ્દે ફળદાયી મંત્રણાઃ રિશી સુનાક

પડતર પ્રશ્નો ઉકેલીને પરસ્પર લાભદાયી વેપાર કરાર અમલમાં લાવવાની આશાઃ મોદી

Tuesday 12th September 2023 12:04 EDT
 
 

લંડનઃ ભારતમાં જી-20 શિખર સંમેલનમાં ભાગ લઇ બ્રિટન પરત ફરેલા વડાપ્રધાન રિશી સુનાકે હાઉસ ઓફ કોમન્સમાં સાંસદોને મુલાકાત અંગે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભારત સાથેના મુક્ત વેપાર કરાર મુદ્દે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉષ્માસભર અને ફળદાયી ચર્ચા થઇ શકી હતી. તેમણે જણાવ્યું હતું કે ડિફેન્સ, ટેકનોલોજી અને બંને દેશો વચ્ચેના મુક્ત વેપાર કરાર પર સંબંધ મજબૂત બનાવવા વડાપ્રધાન મોદી સાથે ફળદાયી મંત્રણા થઇ શકી હતી. રિશી સુનાક સાથેની મુલાકાત બાદ ભારતના વડાપ્રધાન મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, દિલ્હીમાં જી20 સમિટ પ્રસંગે વડાપ્રધાન રિશી સુનાક મળીને ઘણું સારું લાગ્યું. અમે વ્યાપાર સંબધો ગાઢ બનાવવા અને રોકાણ વધારવા અંગે ચર્ચા કરી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકે જી20 શિખર બેઠકની સમાંતર ભારત-બ્રિટન મુક્ત વ્યાપાર કરાર (એફટીએ)ની દિશામાં સધાયેલી પ્રગતિની સમીક્ષા કરી અને આશા વ્યક્ત કરી કે બાકીના પ્રશ્નો ઉકેલી શકાય તેમ છે જેથી એક સંતુલિત, પરસ્પર લાભદાયી વેપાર કરારને અમલમાં લાવી શકાય રિશી સુનાક ઓક્ટોબર 2022માં બ્રિટનના વડાપ્રધાન બન્યા પછી આ તેમનો પહેલો ભારત પ્રવાસ હતો, બંને નેતાઓએ ભારત-બ્રિટન વ્યાપક વ્યૂહાત્મક સહભાગિતાની સાથોસાથ રોડમેપ 2030 અનુસાર અર્થતંત્ર, સંરક્ષણ, ટેક્નોલોજી, ગ્રીન ટેક્નોલોજી, ક્લાઇમેટ ચેન્જ, સ્વાસ્થ્ય અને પરિવહન સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર મુદ્દે સધાયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.  બંને નેતાઓએ પરસ્પર હિતના મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દા પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.

ક્લાઇમેટ ચેન્જ સામે લડવા યુકે દ્વારા 1.6 બિલિયન પાઉન્ડની સહાય અપાશે

વિકાસશીલ દેશોને વધુ આર્થિક સહાયની ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પ્રતિસાદ આપતાં બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકે ઇન્ટરનેશનલ ક્લાઇમેટ ચેન્જ ફંડમાં રેકોર્ડ 1.6 બિલિયન પાઉન્ડનું યોગદાન આપવાની જાહેરાત કરી હતી. 10 ડાઉનિંગ સ્ટ્રીટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ક્લાઇમેટ ચેન્જ સામે લડવામાં મદદરૂપ થવા માટે ગ્રીન ક્લાઇમેટ ફંડમાં યુકે દ્વારા અપાયેલું 1.6 બિલિયન પાઉન્ડનું યોગદાન સૌથી મોટી સહાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter