લંડનઃ ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશ્નર લિન્ડી કેમેરને એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ભારત અને યુકે કુદરતી ભાગીદાર દેશ છે. ભારત અને યુકે વચ્ચેના સંબંધોનો સૌથી મહત્વનો હિસ્સો એ છે કે બંને દેશ એકબીજાના વિકાસ માટે મદદ કરી શકે છે.
કેમેરને જણાવ્યું હતું કે, ગયા મહિને ભારત અને યુકે વચ્ચે થયેલો મુક્ત વેપાર કરાર બંને દેશ વચ્ચેના અદ્વિતિય સંબંધોનું પ્રતીક છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુકે મુલાકાત નવા વિઝન 2035નો પ્રારંભ હતો. આ વિઝન ભવિષ્યમાં બંને દેશ વચ્ચેની ભાગીદારી પ્રદર્શિત કરે છે. બંને દેશ કુદરતી ભાગીદાર છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતે ગ્લોબલ સાઉથના અવાજની પરંપરાગત ભુમિકાથી આગળ વધીને વૈશ્વિક મંચ પર ભાવિ મહાસત્તા બનવાની દિશામાં આગળ વધવું જોઇએ.
લિન્ડી કેમેરન ભારત ખાતેના પ્રથમ મહિલા બ્રિટિશ હાઇકમિશ્નર છે. તેમણે એપ્રિલ 2024થી આ કાર્યભાર સંભાળ્યો હતો.


