મોદીનો ‘સ્માર્ટ પાવર સિદ્ધાંત’ ભારતના ઉજળા ભવિષ્યનું સ્વપ્ન

માર્કસ પારેખ Tuesday 26th July 2016 15:54 EDT
 
 

વર્ષ ૨૦૦૧માં BRIC રાષ્ટ્ર તરીકે ભારતના ઉદ્ભવ સાથેની સંભાવનાઓ હવે અનંત જણાય છે. ઉભરતી આર્થિક તાકાત બનવા ઉપરાંત, ભારતે તેના વૈશ્વિક હિતોને આગળ વધારવા તેની વિશાળ વસ્તી, લશ્કરી તાકાત અને સાંસ્કૃતિક આકર્ષણનો ઉપયોગ કરવા વિચાર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતને સોફ્ટ પાવર રાષ્ટ્ર તરીકે આગળ ધપાવવા કાર્યરત છે. ભારત ભરપૂર સોફ્ટ પાવર ક્ષમતાઓની ભૂમિ છે અને માત્ર ઉપખંડ વિસ્તારમાં પ્રભાવ પાથરવાની ક્ષમતા જ નહિ, વૈશ્વિક સુપરપાવરનો દરજ્જો હાંસલ કરવાની ક્ષમતા રાખે છે.
સોફ્ટ પાવર એટલે એક સરકાર બીજી સરકાર પર ધરાવે તેવો એક પ્રકારને પ્રભાવ છે. સોફ્ટ પાવરના સાધનો તદ્દન બિન-લશ્કરી છે અને તેમાં રાજકીય વિચારો, સાંસ્કૃતિક કાર્યપ્રણાલીઓ, ઐતિહાસિક ઐક્ય અને નૈતિક તાકાતનો સમાવેશ થાય છે. સોફ્ટ પાવર ધરાવતું રાષ્ટ્ર પ્રત્યક્ષ લશ્કરી આક્રમણ કે ધાકધમકીના પ્રયોગ વિના જ અન્યોના નિર્ણયો પર પ્રભાવ પાથરી સાથી-મિત્રો મેળવી શકે છે.
સોફ્ટ પાવરના ઉપયોગમાં ભારતનો વર્તમાન ઉછાળો અને વૈશ્વિક લોકપ્રિયતા વિદેશનીતિના ‘સ્માર્ટ પાવર ડોક્ટ્રિન’માં હાર્ડ પાવર સાથે સોફ્ટ પાવરને સંમિશ્રિત કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણય સાથે સંકળાયેલા છે. મોદીએ પ્રેમની મુરતની ભારતીય છબીને જાળવી રાખવાની સાથે જ દેશની અભૂતપૂર્વ લશ્કરી તાકાતને સાંકળવા માંડી છે. મોદીએ પ્રથમ ટર્મમાં ૨૦થી વધુ વિદેશી દેશોની મુલાકાત લીધી છે. આ મુલાકાતોના વિવાદ છતાં (મોદી ગ્લોબલ સેલેબ્રિટી બનવાના મોહમાં દેશની વસ્તીની જરૂરિયાતો તરફ બેદરકાર રહેતા હોવાનું ઘણા માને છે) વિશ્વમાં મિત્રો બનાવવાનો પ્રયાસ વૈશ્વિક ખેલાડી તરીકે ભારતને આગળ વધારવામાં ભારે મદદરુપ બનશે.
મોદીએ સોશિયલ મીડિયાના ઉપયોગમાં વિશેષ મહેનત કરી છે. તેઓ ૧૭.૮ મિલિયન ટ્વિટર ફોલોઅર્સ ધરાવે છે, જે તમામ રાજકીય નેતાઓમાં બરાક ઓબામા પછી બીજા ક્રમે છે. ચીનના વડા પ્રધાન લિ કેકીઆંગ સાથેની તેમની ‘સેલ્ફી’ વિશ્વમાં સૌથી પાવરફૂલ સેલફી ગણાઈ છે. આધુનિક કોમ્યુનિકેશન્સમાં મહારત સાથે મોદી પ્રગતિશીલ વિશ્વનેતાની છબી બનાવવામાં અને ખાસ કરીને યુવા પેઢીઓ સાથે નાતો બાંધવામાં સફળ થયા છે. સોશિયલ મીડિયાના ઉપયોગથી તેઓ ભારત કેવાં રચનાત્મક લાભો વિશ્વને આપી શકે છે તે જણાવતા રહીને મહાન સોફ્ટ પાવર તરીકે ભારતની છબીનું વિશ્વને સતત દર્શન કરાવે છે.
જો ભારત પાસે ઓફર કરવાયોગ્ય કશું ન હોત તો મોદીનો ભારતને પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ નિરર્થક જઈ શકે. હકીકત એ છે કે ભારત સોફ્ટ પાવરની ઉપયોગમાં નહિ લેવાયેલી ક્ષમતાની સુવર્ણખાણ પર બેઠું છે. તેની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા માત્ર પ્રાદેશિક નથી, વૈશ્વિક છે. એક દેખીતું ઉદાહરણ બોલીવૂડ છે, જે વૈશ્વિક રેવન્યુની દૃષ્ટિએ હોલીવૂડ પછી બીજા ક્રમે છે. બોલીવૂડે ૨૦૧૪માં સિનેમાઘરોમાં ૨.૬ બિલિયનથી વધુ ટિકિટ્સનું વેચાણ કર્યું હતું, જે હોલીવૂડ કરતાં લગભગ બમણું છે. બોલીવૂડ વર્ષે ૧,૦૦૦ જેટલી ફિલ્મોનું નિર્માણ કરે છે, જે હોલીવૂડ કરતા બમણાથી વધુ તેમજ ચાઈનીઝ અને હોલીવૂડના સંયુક્ત પ્રમાણ કરતા વધુ છે. બોલીવૂડની વૈશ્વિક લોકપ્રિયતા ભારતની વિધેયાત્મક સાંસ્કૃતિક છબી આગળ વધારવામાં મોટો ફાળો આપી શકે છે.
ભારત માટે સોફ્ટ પાવરનો બીજો સ્રોત સ્પોર્ટ્સ છે, જેમાં ક્રિકેટ સૌથી વધુ લોકપ્રિય છે. વૈશ્વિક રેન્કિંગમાં તેની ટેસ્ટ મેચ અને ટી૨૦ ઈન્ટરનેશનલ ક્રિટ ટીમો વિશ્વમાં બીજા ક્રમે છે, જ્યારે ODI ટીમ ચોથા ક્રમે છે. ભારતની ડોમેસ્ટિક ટી૨૦ લીગ IPL (Indian Premier League)ના વૈશ્વિક ઓડિયન્સમાં ૪૦થી વધુ દેશના ૩૩૫ મિલિયન દર્શકોનો સમાવેશ થાય છે. વિશ્વના ચુનંદા ખેલાડીઓને આકર્ષતી આ લીગ ભારતના જીડીપીમાં વાર્ષિક ૧૮૨ મિલિયન ડોલરનો ફાળો આપે છે, જ્યારે ટેલિવિઝન સોદાથી આગામી ૧૦ વર્ષમાં એક બિલિયન ડોલરથી વધુ આવક મળશે.
ભારતના સોફ્ટ પાવરની નિકાસોમાં યોગનું મહત્ત્વ સૌથી ઓછું અંકાયું છે. યોગપદ્ધતિએ ગત ૧૦ વર્ષમાં વિશ્વમાં અભૂતપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરી છે. આધ્યાત્મિક દૃષ્ટિએ તમામ સંસ્કૃતિઓ સાથે ભારતને સાંકળવાને અદ્ભૂત માર્ગ છે. ઉપખંડમાં ભારે લોકપ્રિય હોવાં ઉપરાંત, સદીઓથી એશિયામાં તેનો ઉપયોગ તબીબી પદ્ધતિ તરીકે પણ થતો આવ્યો છે. પશ્ચિમી દેશોમાં પણ લોકો તેમના સાંસ્કૃતિક પોતના મહત્ત્વના હિસ્સા તરીકે યોગ સાથે સંકળાઈ રહ્યાં છે. તેની લોકપ્રિયતા એટલી બધી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોના કારણે યુએન દ્વારા ૨૧ જૂનને ‘ઈન્ટરનેશનલ યોગ ડે’ તરીકે સત્તાવાર માન્યતા અપાઈ છે. વર્ષ ૨૦૧૫માં તેની અપ્રતિમ સફળતા પછી આ વર્ષે લાખો લોકોએ વિશ્વભરમાં સામૂહિક યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
સાંસ્કૃતિક સફળતા ઉપરાંત, ભારત તેના વિદેશસ્થિત વસાહતી અને સ્ટુડન્ટ કોમ્યુનિટીઓ દ્વારા અન્ય સંસ્કૃતિઓને પ્રભાવિત કરવાની ગજબ ક્ષમતા ધરાવે છે. આશરે ૩૦ મિલિયન (સમગ્ર ઓસ્ટ્રેલિયાની વસ્તીથી પણ વધુ) ભારતીય વસાહતીઓ વિદેશમાં વસે છે, જેમાંથી ૧.૫ મિલિયન યુકેમાં અને ૩ મિલિયન સાઉદી અરેબિયામાં રહે છે. આ ઉપરાંત, ઉચ્ચ શિક્ષણ મેળવવા ૧૫૦,૦૦૦થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ઓક્સફર્ડ, હાર્વર્ડ અને યેલ સહિત વિદેશની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ ભારતની સાંસ્કૃતિક રીતરસમોના પ્રસાર ઉપરાંત, વિદેશમાં મેળવેલાં કૌશલ્ય અને શિક્ષણનો લાભ ભારતને આપે છે.
જોકે, ભારતના સોફ્ટ પાવરના શસ્ત્રાગારમાં સૌથી મોટુ શસ્ત્ર મહાન લોકશાહી સત્તા તરીકેની છબી છે. આઝાદી પછી વિશ્વની સૌથી મોટી લોકશાહીની નામના સાથે ભારતે ઘણા મિત્રો મેળવ્યા છે. મહાત્મા ગાંધીના જન્મસ્થળ તરીકે પ્રખ્યાત ભારત લોકશાહીવાદી શાંતિપૂર્ણ દેશ તરીકેની ઈચ્છા સાથે યુએસએ સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે. વડા પ્રધાન મોદીએ તેમની વિદેશી મુલાકાતોનો મોટા ભાગનો સમય લોકશાહીમાં ભારતની માન્યતા અને લોકશાહી સાથીદારોના સર્જનની ઈચ્છાની જ ચર્ચાઓ કરી છે. સેઉલ, યુએઈ અને જાપાનની મુલાકાતોમાં વડા પ્રધાન મોદીએ સંબંધિત દેશો સાથે સાંસ્કૃતિક સંપર્કોની વાતો કરી હતી. જાપાનના બિઝનેસીસને ભારતમાં આકર્ષવા તેમણે બૌદ્ધવાદ અને હિન્દુવાદ વચ્ચે ઐતિહાસિક કડીઓ સાથે આધ્યાત્મિક જોડાણનો પણ ઉલ્લેખ કર્યો હતો. ‘ભારતમાં રેડ ટેપ નહિ, પરંતુ રેડ કાર્પેટ’ હોવાનું જણાવી ભારતીય રાજકારણ અને અર્થતંત્રના ખુલ્લાપણાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.
સ્થાનિક પ્રદેશની બહાર પ્રભાવ જમાવવાની ભારતની ક્ષમતા વિશે ઘણા લોકો શંકા ધરાવે છે ત્યારે ગત પાંચ વર્ષમાં તો એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત વૈશ્વિક સુપરપાવર બનવાની ક્ષમતા ધરાવે છે. મીડિયાને સમજવાની મોદીની શક્તિ અને ભારતની લોકશાહીવાદી અને સાંસ્કૃતિક પ્રભાવ દર્શાવે છે કે વિશ્વભરના ભારતીયોએ આશાવાદ સિવાય કશાની લાગણી અનુભવવી ન જોઈએ. મહાન પ્રતિષ્ઠા ધરાવતા રાષ્ટ્ર માટે મહાન પ્રભાવ અને સમૃદ્ધિસભર ભવિષ્ય હવે દૂરની વાત નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter