મોનાર્ક એરલાઇન્સે દેવાળું કાઢ્યુંઃ ૧,૧૦,૦૦૦ પ્રવાસીઓ અટવાયાં

Tuesday 03rd October 2017 15:26 EDT
 
 

લંડનઃ બ્રિટનની સૌથી મોટી એરલાઇન્સ કંપની મોનાર્કે સોમવારે તેની કામગીરી અચાનક બંધ કરતાં સત્તાવાળાઓએ વિદેશમાં ફસાયેલાં આશરે ૧,૧૦,૦૦૦ લોકોને તેમના દેશમાં પાછાં લાવવા માટેની કામગીરી હાથ ધરી છે. વિદેશમાં અટવાયેલા પ્રવાસીઓને યુકે પાછા લાવવા પાછળ ૬૦ મિલિયન પાઉન્ડથી વધુ ખર્ચો થવાની ધારણા છે. આ ઉપરાંત, કંપનીના પાઈલોટ્સ સહિત ૨૦૦૦ કર્મચારીએ નોકરી ગુમાવી છે.
હજારોની સંખ્યામાં લોકોએ વિદેશમાંથી દેશમાં આવવા માટે મોનાર્કની ટિકિટોનું બુકિંગ કરાવ્યું હતું પણ કંપનીએ કામગીરી બંધ કરી દેતાં હવે તેમને સરકાર દ્વારા વિના મૂલ્યે દેશમાં પરત લાવવામાં આવશે. આ માટે બ્રિટનની સરકારે ૩૦ વિમાન ભાડે મેળવવા આદેશ આપ્યો છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ક્રિસ ગ્રેલિંગે જણાવ્યું હતું કે બ્રિટિશ પર્યટકોને સ્વદેશ લાવવાની કવાયત યુકે દ્વારા શાતિકાળમાં હાથ ધરાયેલી સૌથી મોટી કામગીરી બની રહેશે.
યુકેની આ સૌથી મોટી એરલાઇન્સ કંપનીએ જંગી ખોટ કરતાં અને તેની આવક તેમજ નફો ઘટતાં કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધો હતો. કંપની ફડચામાં જતાં હવે તેનો વહીવટ એડમિનિસ્ટ્રેટર દ્વારા કરાશે તેવું જાણવા મળે છે. કંપનીએ ૩,૦૦,૦૦૦ લોકો દ્વારા કરાયેલાં એડવાન્સ બુકિંગ રદ કર્યાં છે.
એરલાઇન્સ ક્ષેત્રે ગળાકાપ હરીફાઈને કારણે યુરોપની આ જાયન્ટ એરલાઇન્સને ભારે ખોટ ખાવી પડી હતી, આ પછી તેનો કેટલોક બિઝનેસ આગળ ચલાવવા નવા રોકાણકાર અને પાર્ટનરની શોધ ચલાવી હતી. તેણે થોડો સમય એર બર્લિન અને અલ-ઇટાલિયા સાથે કામ કર્યું હતું પણ આખરે ફડચામાં જવા અરજી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter