મોન્ટી પાનેસરની ગુલાંટ, વર્કર્સ પાર્ટીની ઉમેદવારી પાછી ખેંચી લીધી

પાનેસર ઇલિંગ સાઉથહોલ બેઠક પર વિરેન્દ્ર શર્મા સામે ટકરાવાનો હતો

Tuesday 14th May 2024 10:41 EDT
 
 

લંડનઃ હજુ થોડા સમય પહેલાં જ રાજકારણમાં ઝંપલાવવા અને વડાપ્રધાન બનવાની ઇચ્છા વ્યક્ત કરનાર મોન્ટી પાનેસરે આગામી સંસદની ચૂંટણીમાં વર્કર્સ પાર્ટીના ઉમેદવાર તરીકેનું નામ પાછુ ખેંચી લીધું છે. અગાઉ જાહેરાત કરાઇ હતી કે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમનો આ પૂર્વ ખેલાડી વેસ્ટ લંડનમાં ઇલિંગ સાઉથહોલની બેઠક પરથી લેબર પાર્ટીના ઉમેદવાર વિરેન્દ્ર શર્મા સામે ચૂંટણીમાં ઝૂકાવશે.

એક્સ પર મૂકેલી શ્રેણીબદ્ધ પોસ્ટમાં પાનેસરે જણાવ્યું હતું કે, મને બ્રિટિશ નાગરિક હોવાનું ગૌરવ છે અને ક્રિકેટની રમતમાં ઉચ્ચ સ્તરે મારા દેશનું પ્રતિનિધિત્વ કરવાનું મને સન્માન મળ્યું હતું. હવે હું લોકોને મદદ કરવાની ઇચ્છા ધરાવું છું પરંતુ હજુ તો શરૂઆત છે. રાજનીતિ દ્વારા લોકોની મદદ કેવી રીતે કરી શકાય તે હું શીખી રહ્યો છું.

પાનેસરે જણાવ્યું હતું કે, હું વર્કર્સ પાર્ટીના ઉમેદવાર તરીકે મારી દાવેદારી પાછી ખેંચી લઉં છું. હું હજુ ઘણું બધું શીખવા માગુ છું અને મારું રાજકીય ઘર શોધી રહ્યો છું. એક એવું રાજકીય ઘર કે જે મારા અંગત અને રાજકીય મૂલ્યો સાથે મેળ ખાતું હોય.

તેમણે જણાવ્યું હતું કે, હું વર્કર્સ પાર્ટીને શુભેચ્છા પાઠવું છું પરંતુ રાજકીય રીતે મજબૂત બનવા અને પુખ્ત બનવા મારે કેટલાક સમયની જરૂર છે. હવે જ્યારે હું રાજકીય વિકેટ પર ઉતરીશ ત્યારે મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter