લંડનઃ હવે સ્માર્ટફોન અને ટેબ્લેટ જેવા મોબાઈલ સાધનો પર બીબીસીના કાર્યક્રમો નિહાળવા મોંઘા પડશે. બીબીસી તેના કાર્યક્રમો જોનારાને વાર્ષિક ૧૪૫.૫૦ પાઉન્ડ લાયસન્સ ફી તરીકે ચૂકવવા ફરજ પાડશે. જોકે, બીબીસીને એવી ચિંતા છે કે આને લીધે સબ્સ્ક્રિપ્શન સર્વિસને બદલે લાઈસન્સ ફી માટેનો માર્ગ ખૂલ્લો થઈ શકે. બીબીસીના ડાયરેક્ટર ઓફ પોલિસી જેમ્સ હિથે કહ્યું છે કે મોબાઈલ અને ટેબ્લેટ સહિત તમામ ઉપકરણો માટે ટીવી લાઈસન્સ જરૂરી બનશે.
અત્યારે બીબીસીની આઈપ્લેયર કેચ અપ સર્વિસ પર કોઈ પણ રકમ ચૂકવ્યા વિના ફ્રીલોડર્સ જોઈએ તેટલાં બીબીસી શો નિહાળી શકે છે. આ છટકબારીને પૂરવા અને તેવી વ્યક્તિઓને ઝડપી પાડવાના ઉદ્દેશથી નવો કાયદો લવાશે. આ છટકબારીને લીધે બીબીસીને દર વર્ષે ૧૫૦ મિલિયન પાઉન્ડનું નુક્સાન થાય છે. સાંસ્કૃતિક મિનિસ્ટર જ્હોન વ્હિટીંગ્ડેલે જણાવ્યું હતું કે આ ફેરફાર માટે તે શક્ય તેટલી ઝડપે સંબંધિત ખરડો લાવશે.
દર્શકો માટે દરેક ટેલિવિઝન લાઈસન્સ સાથે સંકળાયેલો પાસવર્ડ જરૂરી બની જશે. લાઈવ અથવા કેચ અપ પ્રોગ્રામ નિહાળતા પહેલા તેમણે આ પાસવર્ડ એન્ટર કરવો પડશે. નેટફ્લિક્સ, સ્કાય ગો અને સ્પોટીફાય મ્યુઝિક સ્ટ્રીમીંગ સર્વિસ દ્વારા આવી સિસ્ટમ વપરાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે બીબીસીએ તેની બીબીસી૧, બીબીસી૨ અને બીબીસી૪ સહિતની સર્વિસીસ માટે સિગ્નલ એન્ક્રિપ્ટ કરવા પડશે, અન્યથા આ કાર્યક્રમો ફ્રીમાં જોવાનું હજુ પણ શક્ય બનશે.


