લંડનઃ ચાગોસ ટાપુઓ મોરિશિયસને સોંપી દેવાની સંધિ પર વડાપ્રધાન કેર સ્ટાર્મરે ગુરુવારે હસ્તાક્ષર કર્યાં હતાં. સંધિ અંતર્ગત મહત્વના લશ્કરી થાણા ડિયેગો ગાર્શિયાની લીઝ પેટે મોરિશિયસને પ્રતિ વર્ષ 101 મિલિયન પાઉન્ડ ચૂકવાશે.
વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ડિયેગો ગાર્શિયાના લાંબાગાળાના ભવિષ્ય અને યુકેની રાષ્ટ્રીય સુરક્ષા માટે આ સંધિ એકમાત્ર વિકલ્પ હતી. કરારની શરતો મુજબ મોરિશિયસને ચાગોસ ટાપુઓ સોંપી દેવાશે પરંતુ ડિયેગો ગાર્શિયા અમેરિકા તથા બ્રિટનના કબજામાં રહેશે. લીઝનો સમયગાળો 99 વર્ષનો રખાયો છે.
વિપક્ષ કન્ઝર્વેટિવે આ સંધિને દેશને નુકસાનકારક ગણાવી છે. પાર્ટીનો આરોપ છે કે મોરિશિયસના ચીન સાથે ઘણા સારા સંબંધ છે તેથી બ્રિટનના હિતોને નુકસાન થશે.
યુકેએ 1968માં 3 મિલિયન પાઉન્ડમાં ચાગોસ ટાપુઓ ખરીદ્યાં હતાં. મોરિશિયસનો આરોપ હતો કે બ્રિટન પાસેથી સ્વતંત્રતાના બદલામાં તેની પાસેથી ગેરકાયદેસર રીતે આ ટાપુઓ પડાવી લેવાયાં હતાં.
ચાગોસ ટાપુ સંધિ મામલે થોડા કલાકનો કોર્ટ ડ્રામા
ચાગોસ ટાપુઓ મોરિશિયસને સોંપી દેવાની સંધિ પર આગળ વધવા હાઇકોર્ટે સ્ટાર્મર સરકારને પરવાનગી આપી દીધી છે. ગુરુવારે થોડા કલાક આ સંધિ પર મનાઇ હુકમ ફરમાવ્યા બાદ મિસ્ટર જસ્ટિસ ગૂસે મનાઇ હુકમ હટાવી લીધો હતો.
ચાગોસ ટાપુ સંધિને ભારતનો આવકાર
મોરિશિયસને ચાગોસ ટાપુઓ સોંપી દેવાની ઐતિહાસિક સંધિને ભારતે આવકારી છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ચાગોસ ટાપુઓ મુદ્દે મોરિશિયસ અને યુકે વચ્ચેની સંધિને અમે આવકારીએ છીએ. દાયકાઓથી પડતર ચાગોસ વિવાદનો ઉકેલ મહત્વની સિદ્ધી છે, આ વિસ્તાર માટે સકારાત્મક ઘટનાક્રમ છે. મેરીટાઇમ સિક્યુરિટી મજબૂત બનાવવા ભારત મોરિશિયસ અને અન્ય સમાન વિચાર ધરાવતા દેશો સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે.