મોર્ગેજ બિલ, ક્રેડિટ કાર્ડના બિલ, લોનના વ્યાજદરમાં વધારો થશે

બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજદરમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો

Wednesday 21st December 2022 05:26 EST
 
 

લંડન

બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા સતત નવમી વાર બેઝિક વ્યાજદરમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો કરાતાં દેશમાં વ્યાજના દર છેલ્લા 14 વર્ષની ટોચની સપાટી પર પહોંચી ગયાં છે. આ વધારા સાથે દેશમાં બેઝિક વ્યાજ દર 3.5 ટકા થયો છે. વ્યાજદરમાં વધારાના કારણે લાખો પરિવારોના મોર્ગેજ, ક્રેડિટ કાર્ડ, અન્ય લોનના બિલમાં વધારો થશે. નવેમ્બરમાં વ્યાજદર 2.25 ટકાથી વધારીને 3 ટકા કરાયો હતો. જોકે આ વધારાના કારણે બચતકર્તાઓને લાભ થશે અને તેમની બચતો પર વધુ વ્યાજ મેળવી શકશે.

બેન્ક ઓફ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે, 2023ના પ્રારંભિક કેટલાક મહિનામાં ફુગાવાનો દર ઉત્તરોતર ઘટતો રહેશે. બેન્કે તેના ફુગાવાના અંદાજમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો છે. ચાન્સેલર જેરેમી હન્ટને લખેલા પત્રમાં બેન્કના ગવર્નર એન્ડ્રુ બેઇલીએ જણાવ્યું હતું કે, બેન્ક માને છે કે ફુગાવાના દરે તેની ટોચની સપાટી બતાવી દીધી છે. હાલમાં ફુગાવાનો દર 10.7 ટકા છે. ઓક્ટોબરમાં ફુગાવાનો દર 11.1 ટકા નોંધાયો હતો.

બેન્કે સંકેત આપ્યો છે કે આગામી વર્ષમાં પણ વ્યાજદરમાં વધારો થતો રહેશે. ટ્રેડર્સનું માનવું છે કે આગામી સપ્ટેમ્બર સુધીમાં વ્યાજદર 4.5 ટકા પર પહોંચી જશે ત્યારબાદ તેમાં ધીમો ઘટાડો થતો રહેશે.

બેન્ક ઓફ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે, 2022ના નાણાકીય વર્ષના છેલ્લા સપ્તાહમાં અર્થતંત્રે સારી કામગીરી કરી છે. ચોથા ત્રિમાસિકમાં જીડીપીમાં અગાઉના 0.3 ટકાના અંદાજ કરતાં 0.1 ટકાનો જ ઘટાડો જોવા મળશે.

સરકારે મોર્ગેજ ગેરેંટી સ્કીમ વધુ 1 વર્ષ લંબાવી

2023માં યુકેમાં હાઉસિંગ માર્કેટમાં મંદીની સંભાવનાને જોતાં નાની થાપણો દ્વારા મકાન ખરીદવામાં મદદ કરતી મોર્ગેજ ગેરેંટી સ્કીમ સરકારે વધુ એક વર્ષ માટે લંબાવી દીધી છે. આ યોજનાનો પ્રારંભ એપ્રિલ 2021માં કરાયો હતો. સરકારે જણાવ્યું છે કે અમે આ સ્કીમનને આગામી વર્ષના અંત સુધી જારી રાખીશું. આ સ્કીમમાં અત્યાર સુધી 24000 પરિવારોએ લાભ લઇ પોતાની માલિકીના મકાન ખરીદ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter