મોર્ગેજ બિલ, લોન અને ક્રેડિટ કાર્ડના પેમેન્ટમાં વધારો થશે

બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા સતત 12મી વાર વ્યાજદરમાં વધારો, 2008 પછી ટોચની સપાટી પર, ફિક્સ્ડ રેટ મોર્ગેજ ધરાવતા 1.3 મિલિયન લોકોના બિલમાં રિન્યૂ બાદ વધારો થશે, વેરાયેબલ રેટ ધરાવતા લોકોના માસિક પેમેન્ટમાં તાત્કાલિક વધારો

Tuesday 16th May 2023 11:35 EDT
 
 

લંડનઃ બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા સતત 12મી વાર વ્યાજદરમાં વધારો કરાયો છે. ગુરુવારે બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજ દરમાં 25 બેઝિસ પોઇન્ટનો વધારો કરતાં વ્યાજદર 4.25 ટકાથી વધીને 4.50 ટકા પર પહોંચી ગયો છે જે ઓક્ટોબર 2008 પછીની સૌથી ઊંચી સપાટી છે. વ્યાજદરમાં આ વધારાના કારણે મોર્ગેજ બિલ, લોનના ઇએમઆઇ, ક્રેડિટ કાર્ડના બિલમાં વધારો થશે.

વ્યાજદરમાં વધારો થતાં આ વર્ષે જેમના મોર્ગેજ રિન્યૂ થવાના છે તેવા ફિક્સ્ડ પેટ મોર્ગેજ લેનારા લાખો લોકોને અસર થશે. વેરાયેબલ મોર્ગેજ રેટ ધરાવનારા 10 લાખ લોકોના માસિક રિપેમેન્ટમાં તાત્કાલિક વધારો થશે.

ફિક્સ્ડ રેટ મોર્ગેજ ધરાવતા 1.3 મિલિયન લોનધારકો પર છેલ્લા 16 મહિનાથી વ્યાજદરમાં વધારાની અસર થઇ નથી પરંતુ આ વર્ષે તેમના મોર્ગેજ રિન્યૂ થશે ત્યારે વધેલા મોર્ગેજ બિલ તેમને દઝાડશે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડના અધિકારીઓએ ચેતવણી આપી છે કે અગાઉ 11 વખત વ્યાજદરમાં વધારો કરાયો તેની અસર ફક્ત ત્રીજા ભાગની થઇ હતી કારણ કે મોર્ગેજ સાથેના 80 લાખ મકાન માલિકો ફિક્સ્ડ રેટ લોન ધરાવતા હતા અને હજુ તેમના મોર્ગેજ રિન્યૂ કરાયા નથી.

યુકેનું અર્થતંત્ર આ વર્ષે મંદીમાં ફસાશે નહીઃ બેન્ક ઓફ ઇંગ્લેન્ડનો આશાવાદ

બેન્ક ઓફ ઇંગ્લેન્ડે આશા વ્યક્ત કરી છે કે આ વર્ષે અર્થતંત્ર મંદીમાં ફસાશે નહીં. અગાઉ નવેમ્બર 2022માં બેન્ક ઓફ ઇંગ્લેન્ડે આગાહી કરી હતી કે યુકેનું અર્થતંત્ર તેના ઇતિહાસની સૌથી લાંબી બે વર્ષની મંદીમાં સપડાશે. ફેબ્રુઆરી 2023માં બેન્કે તેનો અંદાજ સુધારતા જણાવ્યું હતું કે, અર્થતંત્ર એક વર્ષ સુધી મંદીથી ઘેરાયેલું રહેશે.

મોર્ગેજ બિલમાં માસિક 15થી 24 પાઉન્ડનો વધારો થશે

વ્યાજદરમાં વધારો થતાં ટિપિકલ મોર્ગેજ ટ્રેકર પર રહેલા બોરોઅર્સે માસિક 24 પાઉન્ડ અને સ્ટાન્ડર્ડ વેરાયેબલ રેટ મોર્ગેજ પર રહેલા બોરોઅર્સને માસિક 15 પાઉન્ડનો વધારો ચૂકવવો પડશે. બેન્કના જણાવ્યા અનુસાર 40 લાખ પરિવારના માસિક મોર્ગેજ બિલમાં વધારો થશે. 3,56,000 મોર્ગેજધારકોને જુલાઇ 2024 સુધીમાં મોર્ગેજ બિલની ચૂકવણીમાં મુશ્કેલી પડશે. ડિસેમ્બર 2021ને આધાર ગણીએ તો ટ્રેકર મોર્ગેજ બોરોઅર્સને માસિક 417 પાઉન્ડ અને વેરાયેબલ રેટ મોર્ગેજ ધારકોને માસિક 266 પાઉન્ડ વધારે ચૂકવવા પડશે.

ક્રેડિટ કાર્ડના બિલ, બેન્ક લોન અને કાર લોન મોંઘાં થશે

વ્યાજદરમાં વધારાની સાથે ક્રેડિટ કાર્ડના બિલ, બેન્ક લોન અને કાર લોન મોંઘાં થશે. માર્ચના અંતમાં સરેરાશ વાર્ષિક વ્યાજદર  બેન્ક ઓવરડ્રાફ્ટ પર 21.07 ટકા અને ક્રેડિટ કાર્ડ પર 20.29 ટકા હતો. બેન્કો ભવિષ્યમાં ઊંચા વ્યાજદરની સંભાવનાને જોતાં આ દરોમાં વધારો કરી શકે છે.

વ્યાજદરમાં વધારાના કારણે મોર્ગેજ પેટે 12 બિલિયન પાઉન્ડ વધારાના ચૂકવવા પડશે

બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરમાં કરાયેલા વધારાના કારણે મોર્ગેજ ધારકોએ12 બિલિયન પાઉન્ડ વધારાના ચૂકવવા પડશે. વ્યાજદરમાં સતત 12 વાર કરાયેલા વધારાના કારણે ડિસેમ્બર 2021 સુધીમાં મોર્ગેજ ધારકોએ 4.2 બિલિયન પાઉન્ડ વધારાના ચૂકવી દીધાં છે. હવે ફરી વ્યાજદરમાં વધારો થતાં આગામી બે વર્ષમાં 8 બિલિયન પાઉન્ડ વધુ ચૂકવવાનો વારો આવ્યો છે.

2023ના પ્રથમ 3 માસમાં યુકેનો જીડીપી વૃદ્ધિદર 0.1 ટકા રહ્યો

કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ, ખરાબ હવામાન અને હડતાળોના કારણે યુકેના જીડીપીમાં માર્ચ મહિનામાં 0.3 ટકાનો અણધાર્યો ઘટાડો નોંધાયો છે. જોકે જાન્યુઆરીમાં આર્થિક ગતિવિધિઓ સારી રહેતાં 2023ના પ્રથમ ત્રણ માસમાં યુકેના જીડીપીમાં 0.1 ટકાની વૃદ્ધિ થઇ હતી. રિટેલ સેક્ટરમાં નબળી કામગીરી, ગ્રાહકોની ખર્ચશક્તિમાં ઘટાડો અને ખરાબ હવામાનના કારણે પણ માગમાં ઘટાડો જોવા મળ્યો હતો.મોટા અર્થતંત્રોમાં યુકેનું અર્થતંત્ર પ્રથમ ત્રિમાસિકમાં પાછળ રહ્યું છે. કેનેડા, ઇટાલી, અમેરિકા, ફ્રાન્સ કરતાં યુકેનો જીડીપી વૃદ્ધિદર નીચો રહ્યો હતો. આંકડા દર્શાવે છે કે ચાન્સેલર જેરેમી હન્ટના અનુમાનો ખોટા પડી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, યુકેનું અર્થતંત્ર ઝડપથી વૃદ્ધિ કરી રહ્યું છે. જોકે આ સપ્તાહમાં વ્યાજદરમાં વધારો કરતા સમયે બેન્ક ઓફ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે, યુકેનું અર્થતંત્ર મંદીમાં સપડાશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter