લંડનઃ 10થી 13 જૂન દરમિયાન બ્રિટનની સત્તાવાર મુલાકાતે આવેલા બાંગ્લાદેશની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત કરવાનો બ્રિટિશ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ઇનકાર કરી દીધો હતો. બાંગ્લાદેશમાં અગાઉની શેખ હસીના સરકાર દ્વારા વિદેશોમાં મોકલી દેવાયેલી અબજો ડોલરની રકમ પરત મેળવવા બ્રિટનનું સમર્થન મળે તે માટે યુનુસ બ્રિટન પહોંચ્યા હતા પરંતુ વડાપ્રધાને મુલાકાતનો ઇનકાર કરીને યુનુસને મોટો રાજદ્વારી ફટકો આપ્યો હતો.
યુનુસે જણાવ્યું હતું કે, બ્રિટને નૈતિક ધોરણે મદદ કરવી જોઇએ કારણ કે તે ભ્રષ્ટાચારના નાણા છે. બ્રિટનના વડાપ્રધાન સાથે કોઇ સીધી મુલાકાત યોજાઇ નથી પરંતુ અમને આશા છે કે બાંગ્લાદેશના પ્રયાસોને તેઓ સમર્થન આપશે. બ્રિટિશ અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુનુસ અને સ્ટાર્મર વચ્ચે મુલાકાતની કોઇ યોજના નથી.
બાંગ્લાદેશના ચીફ એડવાઇઝર યુનુસની લંડન મુલાકાતનો ઉગ્ર વિરોધ
યુકેની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના ચીફ એડવાઇઝર મોહમ્મદ યુનુસને લંડનમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મેફેરમાં યુનુસ ઉતર્યા હતા તે હોટલની બહાર મોટી સંખ્યામાં અવામી લીગ યુકેના કાર્યકરો અને બ્રિટિશ બાંગ્લાદેશી એકઠાં થયાં હતાં અને યુનુસ સરકારના વહીવટીતંત્ર દ્વારા બાંગ્લાદેશમાં માનવ અધિકાર ઉલ્લંઘન અને હત્યાઓનો આરોપ મૂકી યુનુસને પરત ચાલ્યા જવા નારાબાજી કરી હતી. બ્રિટિશ બાંગ્લાદેશીઓએ યુનુસને બાંગ્લાદેશમાં ટોળાશાહીના રચયિતા, જેહાદીઓને મુક્ત કરવા અને દેશભક્ત બાંગ્લાદેશીઓને જેલમાં ધકેલી દેવા માટે જવાબદાર ગણાવ્યા હતા. તેમણે યુનુસના રાજીનામાની માગ કરી હતી. બાંગ્લાદેશમાંથી ભાગી છૂટેલા અવામી લીગના એક નેતા પણ આ દેખાવોમાં જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમે બાંગ્લાદેશમાં રચાયેલી ગેરકાયદેસર અને ગેરબંધારણીય સરકારનો વિરોધ કરી રહ્યાં છીએ. અમે મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીની માગ કરી રહ્યાં છે જેમાં અવામી લીગ પણ ભાગ લઇ શકે. અમને બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી અપાતી નથી. અવામી લીગનું સમર્થન કરતા લાખો લોકો દેશમાં જ વિસ્થાપિત બન્યાં છે અને ઘણા પર ખોટા કેસ થોપી દેવાયાં છે.
શેખ હસીના સરકારના મંત્રીની 185 મિલિયન પાઉન્ડની સંપત્તિ જપ્ત કરાઇ
યુકેની નેશનલ ક્રાઇમ એજન્સીએ બાંગ્લાદેશના પૂર્વ લેન્ડ મિનિસ્ટરની મનાતી 185 મિલિયન પાઉન્ડની સંપત્તિ જપ્ત કરી છે. એનસીએએ જણાવ્યું હતું કે, લંડનમાં હાઇકોર્ટની મંજૂરી મળ્યા બાદ અમે 185 મિલિયન પાઉન્ડની 342 પ્રોપર્ટી જપ્ત કરી છે. આ સંપત્તિ શેખ હસીના સરકારના લેન્ડ મિનિસ્ટર સૈફુઝમાન ચૌધરીની માલિકીની હોવાનું મનાય છે.