યહૂદી નરસંહારની જેમ કાશ્મીરી પંડિતોના નરસંહારને પણ ભૂલી શકાય નહીં – જોનાથાન લોર્ડ

કાશ્મીરી પંડિતોના નરસંહારને યાદ કરતો કાર્યક્રમ બ્રિટિશ સંસદમાં યોજાયો, મોદી પરની બીબીસીની ડોક્યુમેન્ટરી કુઠારાઘાત કરનારું કૃત્ય – બોબ બ્લેકમેન

Wednesday 01st February 2023 05:39 EST
 
 

લંડન

જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના નરસંહારની વરવી યાદોને તાજી કરતા 25મી જાન્યુઆરીના રોજ બ્રિટિશ સંસદમાં બ્રિટિશ હિન્દુઓના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ અને કાશ્મીરી પંડિત સમુદાય દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ગ્રુપના અધ્યક્ષ બોબ બ્લેકમેન છે. કાર્યક્રમમાં કાશ્મીરી પંડિતોના નરસંહારને વખોડી કાઢતો ઠરાવ પસાર કરાયો હતો. બોબ બ્લેકમેને ભારત અને કાશ્મીરી પંડિતોને પોતાના સમર્થનની પ્રતિબદ્ધતા દોહરાવતા જણાવ્યું હતું કે, પાકિસ્તાનના આક્રમણના કારણે કાશ્મીરના મહારાજાએ ભારત સાથે જોડાણને સ્વીકાર્યું હતું. 26મી ઓક્ટોબર 1947ના રોજ આક્રમણખોરો દ્વારા બારામુલ્લામાં 11000 લોકોની હત્યા કરાઇ હતી. તેના પગલે મહારાજા હરિસિંહે ભારતની લશ્કરી સહાય માગી હતી. તેમણે ભારત સાથેના જોડાણને સ્વીકાર્યું હતું જેના પગલે ભારતીય સેનાને કાશ્મીર મોકલી અપાઇ હતી અને બે સપ્તાહમાં ભારતીય સેના આક્રમણખોરોને મારી હટાવ્યા હતા. નેશનલ કોન્ફરન્સે પણ ભારતીય સેનાનું સમર્થન કર્યું હતું.

બ્લેકમેને જણાવ્યું હતું કે, યુકે અને સમગ્ર વિશ્વમાં આ મામલે પ્રવર્તતી અવગણનાને દૂર કરવા માટે પ્રયાસો થવા જોઇએ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની બીબીસીની દસ્તાવેજી ફિલ્મ પર તેમણે જણાવ્યું હતું કે, તે એક કુઠારાઘાત કરનારું કૃત્ય છે. આ પ્રસંગે સાંસદ જોનાથાન લોર્ડે જણાવ્યું હતું કે, જેમ આપણે યહૂદી નરસંહારને ભૂલાવી શક્તા નથી તેવી જ રીતે આપણે કાશ્મીરી પંડિતોના નરસંહારને પણ ભૂલી શક્તાં નથી.

ઇન્ડિયન હાઇકમિશનના ફર્સ્ટ સેક્રેટરી સર્વજીત સુદાને કાશ્મીરી પંડિતોની હિંમતને સલામ કરતાં કાશ્મીરી પંડિતોની હિજરત અંગેના પોતાના સ્મરણો રજૂ કર્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, કાશ્મીરી પંડિતોના બલિદાનને હંમેશા યાદ કરવા જોઇએ.

સાંસદ થેરેસા વિલિયર્સે તેમના સંદેશામાં જણાવ્યું હતું કે, કાશ્મીરી હિન્દુઓ સાથે થયેલા અન્યાય અંગે વિશ્વને જણાવવું જ જોઇએ. કાશ્મીરી પંડિતોને વતનમાંથી હાંકી કઢાયાને 33 વર્ષ વીતી ગયાં છે. કાશ્મીર અંગેની માન્યતાઓમાં હવે બદલાવ લાવવાનો સમય આવી ગયો છે જેથી હિન્દુઓનો અવાજ સાંભળી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter