યહૂદીઓને હાંકી કાઢતા 800 વર્ષ જૂના કાયદાની ચર્ચે માફી માગી

Wednesday 11th May 2022 07:38 EDT
 

લંડનઃ લગભગ 800 વર્ષ પૂર્વે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ દ્વારા ઘડી કઢાયેલા કાનૂનના પગલે યહૂદીઓને ઇંગ્લેન્ડમાંથી હાંકી કાઢવામાં આવ્યા તેની ‘શરમજનક કામગીરી’ માટે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડે હવે ક્ષમાયાચના કરી છે

8 મે રવિવારે ઓક્સફર્ડના ક્રાઇસ્ટ ચર્ચ કેથેડ્રલ ખાતે ખાસ ચર્ચ-સર્વિસમાં સિનોડ ઓફ ઓક્સફર્ડની 800મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ હતી. વર્ષ1222માં લાગુ કરાયેલા કાયદામાં યહૂદીઓ તથા ખ્રિસ્તીઓ વચ્ચે સામાજિક વ્યવહારનો પ્રતિબંધ, યહૂદીઓને પોતાની ઓળખ દર્શાવવા માટે બેજીસ પહેરવાની ફરજ પાડવી, તેમના પર ચર્ચના કર લાદવા, તેમને ચોક્કસ વ્યવસાયો કરવા પર પ્રતિબંધ વગેરે ફરજો હતી. તેમને નવા સિનેગોગ બાંધવા પર પણ પ્રતિબંધ હતો.

13મી સદીના અંત સુધીમાં યહૂદીઓને જમીન ધારણ કરવા તથા વંશપરંપરાગત રીતે તેમના વારસોને જમીન મળવાનો અધિકાર પણ નહોતો. હજારો યહૂદીઓની ધરપકડ, ફાંસી અથવા કેદની સજા કરાઈ હતી. છેવટે ઇંગ્લેન્ડમાં 3000 કે તેથી વધારે યહૂદીઓને કિંગ એડવર્ડ-Iના એક આદેશ હેઠળ વર્ષ 1290માં દેશનિકાલની સજા કરાઈ હતી અને 360 વર્ષથી વધારે સમય સુધી તેઓને ઇંગ્લેન્ડ પાછા ફરવાની પરવાનગી ન હતી.

આર્ચડીકન ઓફ ઓક્સફર્ડ જોનાથન ચેફીએ જણાવ્યું હતું કે, ચર્ચ ઓફ ઇંગ્લેન્ડની સ્થાપના 1530ના દાયકા સુધી થઈ ન હોવાં છતાં ખ્રિસ્તીઓ માટે યહૂદીઓ સાથેની ‘લજ્જાસ્પદ વર્તણૂકો’ માટે પસ્તાવો કરીને સંબંધો સુધારવાનું યોગ્ય જ હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter