યુએસ દ્વારા પણ નીરવ મોદીના યુકેમાંથી પ્રત્યાર્પણ માટે દાવો કરાશે?

Wednesday 10th April 2019 02:29 EDT
 
 

લંડનઃ હીરાના વેપારી અને ભારતની પંજાબ નેશનલ બેન્ક સાથે ૧૩,૫૦૦ કરોડ રુપિયાની છેતરપિંડી કરનારા નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે યુએસ સરકાર પણ દાવો કરી શકે છે. યુકેની વોન્ડ્ઝવર્થ જેલમાં રખાયેલા નીરવ મોદી સામે યુએસના રેકેટિઅર ઈન્ફ્લુઅન્સ્ડ એન્ડ કરપ્ટ ઓર્ગેનાઈનેશન્સ (RICO) એક્ટ હેઠળ શ્રેણીબદ્ધ નાદારીના કેસીસ સંબંધે યુકેથી પ્રત્યાર્પણનો દાવો થવાની પ્રબળ શક્યતા છે. આ સૂત્રોએ જણાવ્યું હતું કે, સંબંધિત અમેરિકન વિભાગ યુકેમાં તેના સમકક્ષ વિભાગને મોદીના પ્રત્યાર્પણ માટે ટૂંક સમયમાં પત્ર લખશે. જો આ કાર્યવાહી થાય તો, પોતાના સ્થાનિક કાયદા હેઠળ નિરવ મોદીના પ્રત્યાર્પણની માગણી કરનાર અમેરિકા, ભારત પછીનો બીજો દેશ બનશે. જો આમ થાય તો, નીરવ મોદી ભારત દ્વારા કરાયેલી પ્રત્યાર્પણ વિનંતીનો મજબૂત વિરોધ નહિ કરે કારણકે ભારતની સરખામણીએ યુએસમાં તેને વધારે સજા અને દંડ ભોગવવા પડે તેમ છે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર અમેરિકન બેન્કરપ્સી કોર્ટ નીરવ મોદી સામે RICO- રિકો એક્ટના ભંગ મુદ્દે આરોપો લગાવી શકે છે. મોદી સાથે સંકળાયેલી ત્રણ કંપનીઓ-ફાયરસ્ટાર ડાયમન્ડ ઈન્ટરનેશનલ, એ જાફે અને ફેન્ટસી ઈન્ક. દ્વારા ફેબ્રુઆરી ૨૦૧૮માં નાદારીની અરજીઓ ફાઈલ કરાઈ છે. કંપનીઓની તપાસ માટે કોર્ટ દ્વારા નિયુક્ત ટ્રસ્ટીએ આ પછી નીરવ મોદી અને આ કંપનીઓના બે અન્ય એક્ઝિક્યુટિવ્ઝ, મિહિર ભણસાલી અને અજય ગાંધી સામે ફરિયાદ દાખલ કરી છે. આ ત્રણે વિરુદ્ધ વિશ્વાસની ફરજના ભંગ, વિશ્વાસની ફરજના ભંગમાં ઉશ્કેરણી તેમજ રિકો એક્ટના ભંગના આરોપ લગાવ્યા છે. આ કેસ મોદીના ભારતમાં કૌભાંડ સાથે પણ સંકળાયેલો છે.

અમેરિકામાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સામે લડવા માટે ફેડરલ કાયદા રિકો એક્ટને ૧૯૭૦થી અમલી બનાવાયો છે. તેના થકી અપરાધી એકમના ભાગરુપે ઠગાઈની પ્રવૃત્તિ સામે પ્રોસીક્યુશન થઈ શકે છે. જો કોઈ વ્યક્તિએ ૧૦ વર્ષમાં દર્શાવેલા ૩૫ (ગેરકાયદે જુગાર, લાંચ, મની લોન્ડરિંગ, ઉચાપત, ડ્રગ્સની હેરફેર અને મર્ડર સહિતના) ગુનાની યાદીમાંથી ઓછામાં ઓછી ઠગાઈની બે પ્રવૃત્તિ કરી હોય તો તેને ૨૫,૦૦૦ ડોલર સુધી દંડ કરી શકાય છે અને ૨૦ વર્ષની કેદની સજા થઈ શકે છે. અમેરિકામાં આ કાયદા હેઠળ ન્યૂ યોર્ક સિટીના પાંચ દંતકથારુપ કુખ્યાત માફિયા તથા સમગ્ર અમેરિકામાં અન્ય ઈટાલિયન માફિયા ફેમિલીઝના સભ્યો વિરુદ્ધ કાનૂની કાર્યવાહીઓ કરાયેલી છે.

ઉલ્લેખનીય છે કે મોદી અને તેના મામા મેહુલ ચોક્સી પંજાબ નેશનલ બેન્ક સાથે રુપિયા ૧૩,૫૭૦ કરોડનાં છેતરપિંડીના કેસમાં વોન્ટેડ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કેસના મની લોન્ડરિંગ પાસાની તપાસ કરી રહ્યું છે જ્યારે સીબીઆઇ ગુનાઇત કાવતરું અને આરોપી દ્વારા સરકારી અધિકારીઓના હોદ્દાના દુરુપયોગના પાસા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ભારતીય બેન્ક ઉદ્યોગમાં સૌથી મોટાં પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી સામે સીબીઆઇએ પીસી એક્ટ અને આઇપીસીની કેટલીક કલમો હેઠળ ચાર્જશીટ ઘડ્યું હતું. પીસી એક્ટ અને આઇપીસીમાં મહત્તમ ૧૦ વર્ષની જ્યારે, પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) મહત્તમ સાત વર્ષની સજાની જોગવાઇ છે. જો તે દોષિત ઠરે તો આ બંને સજા એક સાથે ચાલશે. જોકે, યુએસમાં સજા લાંબી અને દંડ વધુ હોય છે. ભારતમાં ટ્રાયલ હેઠળના આરોપીને કોર્ટની મંજૂરી સાથે પેરોલ, ફર્લો તેમજ અન્ય લાભ મળી શકે છે, જ્યારે યુએસમાં આવી કોઈ સુવિધા અપાતી નથી. એક અહેવાલ અનુસાર યુએસમાં રિકો એક્ટ હેઠળ મોદી અને તેના બે સાથીને ૨૦ વર્ષના જેલવાસ તેમજ ત્રણગણા ડેમેજીસ અને એટર્નીની ઊંચી ફીનો સામનો કરવાનો રહેશે. યુએસ કાયદા હેઠળ પ્રતિવાદી (નીરવ આણિ મંડળી)એ વાદીને ચુકવવાના થતાં ડેમેજીસની રકમ ત્રણગણી કરી શકે છે.

આવી પરિસ્થિતિમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના સૂત્રો અનુસાર નીરવ મોદી પ્રત્યાર્પણની ભારતની અરજીનો અત્યારે કરે છે તેવો આક્રમક વિરોધ નહિ કરે. ઈડીના સૂત્રો માને છે કે નીરવ મોદીને પસંદગી અપાશે તો તે યુએસમાં કાનૂની કાર્યવાહીનો સામનો કરવાના બદલે ભારત પરત આવવાનું વધુ પસંદ કરશે. ભારતે નીરવના પ્રત્યાર્પણ માટે યુકે સરકારને પ્રથમ અરજી કે વિનંતી કરી હોવાના કારણે પણ તેનું ભારતમાં પ્રત્યાર્પણ કરાય તે માટે ભારતનો પ્રથમ અધિકાર રહેશે.

કૌભાંડી નીરવ મોદી વિશે જુદા જુદા ખુલાસા બહાર આવી રહ્યા છે. આ કૌભાંડી વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જારી કરાઈ હોવાં છતાં, નીરવ મોદી ઇન્ટરપોલની સાથે છેતરપિંડી કરીને ભારતીય પાસપોર્ટની મદદથી અમેરિકા ફરી આવ્યો હતો. નીરવ મોદીના અમેરિકાના પ્રવાસને પગલે અમેરિકાએ બ્રિટિશ પ્રશાસનની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવી આ મામલે ફરિયાદ કરી છે. ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ અને રદ ભારતીય પાસપોર્ટ છતાં તેને અમેરિકાના પ્રવાસની અનુમતિ કેમ અપાઈ તેવો પ્રશ્ન બ્રિટિશ સત્તાવાળાને કરાયો છે. નિયમ અનુસાર જ્યારે પણ કોઇ વ્યક્તિના નામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જારી કરાય ત્યારે તેને કોઇ દેશના ઇમિગ્રેશન અધિકારી અટકાયતમાં લઇ શકે છે. જોકે, નીરવ મોદી કેવી રીતે અમેરિકા ગયો તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. ભારતીય એજન્સીઓ પાસે નીરવ મોદીની આ વિદેશ મુલાકાતોની પુરી જાણકારી છે જેને કોર્ટમાં રજુ કરવામાં આવશે.

નીરવ મોદી સામે હાલ વેસ્ટમિન્સ્ટર ચીફ મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં પ્રત્યાર્પણ કાર્યવાહી ચાલી રહી છે. તે યુકે છોડી નાસી જાય તેવી શંકાએ તેની બે જામીન અરજી રદ કરવામાં આવી છે અને હાલ તે વોન્ડ્ઝવર્થ જેલમાં ૨૬ એપ્રિલ સુધી બંધ રખાયો છે. હવે તે યુકેની હાઈ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. એક કરતાં વધુ વર્ષથી ભારતમાંથી ફરાર મોદી ૨૦૧૯ની ૧૯ માર્ચે લંડનમાં દેખાયા પછી તેની ધરપકડ કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter